સુરતઃ ગુજરાતમાં પાટીદારો દ્વારા ચાલી રહેલા અનામત આંદોલને સુરતે મોટું બળ આપ્યું છે. અહીં સોમવારે પાટીદારો દ્વારા શૈક્ષણિક અને સરકારી નોકરીઓના ક્ષેત્રે અનામતની માંગ માટે અંદાજે સાત લાખ લોકોની અભતપૂર્વ રેલી યોજાઇ હતી. જય સરદાર, જય પાટીદાર...ના ગગનભેદી નારા સાથે અનામતની આંધી ફૂંકાઇ હોય તેવું દૃશ્ય ખડું થયું હતું. સવારે આઠ વાગે આ રેલીએ પ્રસ્થાન કર્યું હતું. જેમાં ટેમ્પો, કાર, બાઇક અને પગપાળા મળી લાખોની સંખ્યામાં પાટીદારો સ્વયંભૂ ઊમટી પડયા હતા. એક તબક્કે ૧૧ કિલોમીટર લાંબી આ લોકરેલીનો અંત નહીં દેખાતા પોલીસ, સરકારી તંત્ર અને રાજકારણીઓ અસમંજસમાં મુકાયા હતા. રેલીમાં શંખનાદ, ઘંટારવ, ડી.જે. પર ગુંજેલા ગીતોથી રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો હતો. બપોરે બાર કલાકે આ રેલી કલેક્ટર કચેરી હતી અને અનામત આંદોલન સમિતિના આગેવાનોએ બે કલાકે કલેક્ટરને આવેદનપત્ર આપી અનામતની માગણી કરી હતી. રેલીની સફળતા પછી યુવા આગેવાન હાર્દિક પટેલે સાત લાખથી વધુ લોકો રેલીમાં જોડાયા હોવાનો દાવો કર્યો હતો. રેલીના લીધે સુરતનાં વિવિધ વિસ્તારોમાં ચક્કાજામ થયો હતો. મહારેલી દરમિયાન અનેક સ્થળે વરસાદના છાંટા પડ્યા હતો. આંદોલન સમિતિના આગેવાનો અલ્પેશ કથીરિયા અને નિખિલ સવાણી સહિતના પાંચ પાટીદારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પાટીદાર સમાજના લેઉઆ, કડવા અને લાલચૂડા પાટીદાર સમાજના ફિરકાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી) અંતર્ગત ૨૭ ટકા અનામતમાં આવરી લેવા તથા જમીન વિહોણા પાટીદારોને સ્પેશિયલ બેકવર્ડ કલાસ (એસબીસી) પેટે પાંચ ટકા અલગથી અનામત આપવા માગણી કરાઇ હતી. કલેક્ટરે આગેવાનોની આ રજૂઆતને સરકાર સમક્ષ પહોંચતી કરવા ખાતરી આપી હતી.
૨૫મીએ અમદાવાદમાં
હવે સહુની નજર અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાનારી પાટીદારોની મહારેલી પર છે. સુરત રેલીના આયોજકો કહે છે કે, સુરતની રેલી તો માત્ર ટ્રેલર હતું હજુ આખી ફિલ્મ પ્રદર્શિત થવાની બાકી છે. એટલે અમદાવાદની રેલીને ઐતિહાસિક બનાવવામાં આવશે અને તેમાં રાજસ્થાનમાં ગુર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલા અને ઉત્તર પ્રદેશના અપના દળનાં સાંસદ અનુપ્રિયા પટેલને આમંત્રણ અપાશે. રાજ્ય આખાની નજર અમદાવાદની ૨પમીની મહારેલી પર
સરકાર સાથે મંત્રણા
છેલ્લા દોઢ મહિનાથી પાટીદારો દ્વારા ચાલતા અનામત આંદોલનના આગેવાનોને સાંભળવા માટે સરકારે સાત પ્રધાનોની સમિતી બનાવી હતી. સોમવારે આંદોલનનાં ૧૮ આગેવાનોને આ સમિતિએ સાંભળ્યા હતા. પરંતુ તેમની વચ્ચેની મંત્રણા નિષ્ફળ ગઇ હતી. મંત્રણા કરીને બહાર આવતા જ આગેવાનોએ બળાપો ઠાલવ્યો હતો. કેટલાય વર્ષોથી પાટીદારોને ઓબીસીમાં સમાવાય તેના માટે દિલ્હીમાં આંદોલન કરી રહેલા રાજકોટના અશ્વિન સોરઠીયાએ તો અનામત ન મળે ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાની ટેક રાખી છે. જો કે, આ આંદોલનકારીઓએ મંત્રણા અંગે પત્રકારો સાથે ચર્ચા કરવાનો ઈન્કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૮ આગેવાનોએ ‘અમને અનામત કેમ નહીં’ના સવાલો કરીને વર્તમાન સમયમાં પાટીદારોની સ્થિતિ માટે સરકારને નિશાન બનાવી હતી. તેમના સવાલો સાંભળીને પ્રધાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.