અમદાવાદઃ રૂ. ૫૦૦ કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠાકર ઉર્ફે સેગી અમેરિકાની એફબીઆઈ, થાણે ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસને થાપ આપીને દુબઈ ભાગી ગયો છે એવા અહેવાલ છે. સાગર હાથમાં નહીં આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાગર સાથે સંકળાયેલા ૩૪ની ધરપકડ કરીને સંતોષ માન્યો છે. કહેવાય છે કે સાગરે મેઘાલયમાં આવેલા શિલોંગમાં ફરી કોલ સેન્ટર શરૂ કર્યું છે. જ્યાં અમદાવાદના ૧૦૦ છોકરાને નોકરી પણ રાખ્યા છે. તે તેની નજીકના અને વિશ્વાસુ મિત્રોને શિલોંગના કોલ સેન્ટરમાં નોકરી માટે ફ્લાઈટમાં આસામના ગુવાહાટી અને ત્યાંથી મેઘાલયના શિલોંગ લઈ ગયો હતો. દાઉદે જે રીતે દુબઈમાં બેઠા -બેઠા દેશ દુનિયાની અંડરવર્લ્ડની કમાન પોતાના હાથમાં રાખી છે તેવી રીતે સાગર પણ દુબઈથી શિલોંગના કોલ સેન્ટરનું મોનિટરિંગ કરે છે.
સાગરની નજીકના મિત્રોનું કહેવું છે કે સાગરે લંડનની યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં તે પત્ની અને બહેન સાથે દુબઈમાં સ્થાયી થયો છે. કોલ સેન્ટરોમાંથી કમાયેલા કરોડો રૂપિયામાંથી સાગરે દુબઈમાં સાત સ્ટાર હોટેલ સહિતની પ્રોપર્ટી વસાવી લીધી છે.


