સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત ઓમ વ્યાસનું અસ્ખલિત સંસ્કૃત સ્તોત્રગાન

અચ્યુત સંઘવી Wednesday 23rd March 2016 09:06 EDT
 
 

અમદાવાદઃ ગાયત્રી મંત્ર, ગણપતિ વંદના, સરસ્વતી વંદના, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવ તાંડવ સ્તોત્ર, શક્રાદય સ્તુતિ, દત્ત બાવની, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, સાંઈ બાવની, કબીરવાણી, જુદા જુદા દેવીદેવતાઓની આરતીઓ... યાદી બહુ લાંબી થાય તેમ છે, પણ જરા કહો તો આમાંનું તમને કેટલું કંઠસ્થ છે? માથું ખંજવાળવું પડે છેને? પણ નવ વર્ષના ઓમ વ્યાસને આ બધું કંઠસ્થ છે. અને યાદી તો હજુ અધૂરી છે. અઘરા સંસ્કૃત શ્લોકો, પંક્તિઓ, વિવિધ શ્લોકો, સ્તોત્રો વગેરે બધું જ તે સ્પષ્ટ ઉચ્ચારો સાથે બોલી શકે છે. આ જાણીને તમને આશ્ચર્ય થયું હોય તો જરા થોભો. વાત અધૂરી છે. ઓમ સેરેબ્રલ પાલ્સીથી પીડાય છે અને આ સિવાય બીજું કંઇ તે ભાગ્યે જ બોલી શકે છે.
સીપી તરીકે ઓળખાતા સેરેબ્રલ પાલ્સી નામના અસાધ્ય રોગમાં હલનચલનની વિકૃતિઓ, વાણી પર નિયંત્રણ ન હોવું, જકડાયેલાં કે નબળાં સ્નાયુતંત્રના કારણે શારીરિક ક્રિયાઓ વચ્ચે સંકલનનો અભાવ, સંવેદના, દૃષ્ટિ અને શ્રવણશક્તિની સમસ્યા, કોઈની સાથે કોમ્યુનિકેશનમાં મુશ્કેલી વગેરેનો સમાવેશ થાય છે. આ બધી તકલીફ છતાં ઓમ આ અનોખું કૌશલ્ય ધરાવે છે. નવ વર્ષના બાળકોને ટીવી કે વીડિયો ગેમ્સમાં રસ હોય, પણ ઓમને ભજનો કે સ્તોત્રોની ઓડિયો કેસેટ્સ સાંભળવામાં આનંદ મળે છે અને તે સાંભળીને જ યાદ રહી જાય છે.
ઈસનપુર વિસ્તારમાં રહેતા વર્ષાબહેન અને જીજ્ઞેશભાઇ વ્યાસ દંપતીને ત્યાં લગ્નના ૧૨ વર્ષ પછી સપ્ટેમ્બર ૨૦૦૬માં પારણું બંધાયું. પ્રીમેચ્યોર જન્મ હોવાથી ઓમને ૨૨ દિવસ ઈન્ક્યુબેટરમાં રાખવો પડ્યો. જન્મ સમયે તેનું વજન માત્ર ૧.૫ કિલો હતું. તે સમયે એપિલેપ્સીની આંચકી આવતી હતી, પણ કોઇ ગંભીર સમસ્યા હોવાનો કોઇને ખ્યાલ જ નહોતો. છ મહિના બાદ ઓમને સીપી હોવાની જાણ થતાં જ જાણે વીજળી પડી.
જોકે વર્ષાબહેન અને જીજ્ઞેશભાઇએ કુદરતનો આ પડકાર હસતા મોંએ ઝીલી લીધો છે. ત્યારથી ફિઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સુજોક થેરાપી, કલર પોઈન્ટ થેરાપી, શારીરિક સંતુલનની કસરતોનો અવિરત દોર ચાલી રહ્યો છે, અને આજીવન ચાલવાનો છે.
જિજ્ઞેશભાઈ કહે છે કે, ‘ઓમ અઢી-ત્રણ વર્ષની ઉંમરથી તૂટક ભાષામાં સ્તોત્ર બોલવા લાગ્યો હતો અને આજ સુધી તેની સફર ચાલુ જ છે.’ ઓમ સામે હું શક્રાદય સ્તુતિનો એક શ્લોક બોલ્યો તો તે સામે બીજો શ્લોક બોલ્યો. અને અમારી રમઝટ જામી. ઓમને બધા યોગી આત્મા તરીકે કેમ ઓળખે છે તે મને સમજાઇ ગયું. ઓમના જન્મના આગલા વર્ષે જિજ્ઞેશભાઈ અને વર્ષાબહેન કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા. આથી તેઓ ઓમના કૌશલ્યને શંકર ભગવાનની દેણ ગણાવે છે. શાંત સ્વભાવનો ઓમ ગુજરાતી અને અંગ્રેજી કક્કો, ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર જેવી કવિતા અને ૧-૧૦૦ સુધીની સંખ્યા બોલી શકે છે. જોકે તે ૧૫ ફૂટથી વધુ દૂર જોઇ શકતો નથી. આજે પણ તે જાતે ભોજન કરી શકતો નથી.
માર્કેટિંગ કંપનીમાં કાર્યરત જિજ્ઞેશભાઈ કહે છે, ‘પડકાર તો છે, પણ તેનો સામનો કરવા સખત મહેનત, શ્રદ્ધા અને ધીરજની સાથે પરિવારનો ટેકો પણ જરૂરી છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના વર્તમાનમાં જ જીવવું મહત્ત્વનું છે. સમાજમાં વિકલાંગતા વિશે સંવેદના અને જાગૃતિ નથી તે અમને અનુભવે સમજાયું છે. ઓમની સારવાર પાછળ રોજનો ૭૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જોકે, ઓમની સંભાળ માટે અમને પરિવાર, નાના ભાઈ અને મારા પેરન્ટ્સ ઉપરાંત આસપાસના રહેવાસીઓ અને સમાજનો પણ સંપૂર્ણ સાથ છે.’ વર્ષાબહેન કહે છે, ‘અમારું જીવન ઓમને જ સમર્પિત છે. બાળકની જરૂરિયાતને સમજવી એ જ મહત્ત્વનું છે. આમ છતાં, તેના ઉછેર અને ભવિષ્ય વિશે માનસિક ચિંતા તો રહે જ છે. આથી જ અમે બીજા સંતાન વિશે વિચાર્યું જ નથી.’
જીજ્ઞેશભાઇ અને વર્ષાબહેન ઓમને લઈ અનેક કથા, પારાયણોમાં જાય છે. સોમનાથ મહાદેવ સમક્ષ ૨૦૧૫માં શિવવંદના ગાઈને લોકોના મન મોહી લીધા હતા. તો કાંકરિયા કાર્નિવલમાં ઓમ શિવતાંડવ, ગણપતિ સ્તુતિ અને સરસ્વતી વંદના રજૂ કરીને છવાયો હતો. ભાગવત વિદ્યાપીઠ-સોલામાં તેણે ગીતાના ૧૨મા અધ્યાયનું ગાન કર્યું હતું. ઓમ અનેક એવોર્ડ્ઝથી સન્માનિત ઓમને ૨૦૧૪માં વર્લ્ડ રેકોર્ડ્ઝ ઈન્ડિયા તરફથી જિનિયસ એવોર્ડ અપાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter