વડોદરાઃ સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞયદાસે કેનેડાના ટોરેન્ટોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગુજરાતી યુવતીએ કરી છે. સાધુ સુજ્ઞયદાસ વિરુદ્ધ ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં જ સાધુ વડોદરા ભાગી આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
૩૦ વર્ષીય ગુજરાતી યુવતીએ ૩૦મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ટોરેન્ટો પોલીસ મુથકમાં સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞયદાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે. તેનાં પરિવાર સાથે કેનેડામાં રહેતી યુવતી માનસિક શાંતિ મેળવવા માટે ટોરેન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં જતી હતી. તે વખતે સાધુ સુજ્ઞયદાસ પણ મંદિરની મુલાકાતે આવ્યા હતા. યુવતી રોજ મંદિરે જતી હોવાથી સાધુ સુજ્ઞયદાસ સાથે સંપર્ક થયો હતો અને સ્વામીએ તેને ફસાવી લીધી.
યુવતીએ જણાવ્યું કે, તે પોતાના અંગત પ્રશ્નોને લઈને ચિંતિત હતી અને ઝડપથી તેનું નિરાકરણ લાવવા માગતી હતી. સુજ્ઞયદાસ સમસ્યાઓ દૂર કરી દેશે તેવી આશા તેને હતી, પરંતુ સાધુએ તેનો ગેરલાભ લીધો હતો. યુવતીના કહેવા પ્રમાણે, સુજ્ઞયસ્વામીએ તેનેે સોખડા મંદિરના વડા હરિપ્રસાદ સ્વામી સાથે મુલાકાત કરાવી આપવાની લાલચ આપી હતી. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સ્વામીએ તેને મીઠી વાતોમાં ભોળવીને કહ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામી મંદિરમાં આવ્યા છે. તમે દર્શન કરવા આવો. યુવતી મંદિર આવતાં જ સાધુ સુજ્ઞયદાસએ તેને પોતાના રૂમમાં બોલાવી હતી અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત યુવતીના પરિવારે ફરિયાદ કરી છે કે, સમગ્ર ઘટનાની જાણ સોખડા સ્વામિનારાયણ મંદિરના વડા હરિપ્રસાદને કરાઈ હતી. હરિપ્રસાદે સાધુ સુજ્ઞેય સ્વામીને પ્રાયશ્ચિત માટે ભૂખ્યા રહીને ૧૮ હજાર માળા ફેરવવા જણાવ્યું હતું. ત્યારબાદ સુજ્ઞેય સ્વામીએ ૧૮ હજાર માળા પૂર્ણ કરતાં તેમને મંદિરમાં પૂર્વ સ્થાને પરત લેવાયા હતા. યુવતીએ પોલીસને ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, સંતની ફરિયાદ કરતાં સ્વામિનારાયણ સંત પ્રભોધસ્વામીએ યુવતીના પિતાને કહ્યું હતું કે, થોડી મજા કરી લીધી તો તેમાં શું થયું?
પીડિતાના એડવોકેટ સોનલબહેને લિગલ નોટિસ હરિપ્રસાદ સ્વામી, સુજ્ઞેય સ્વામી, પ્રભોધ સ્વામી અને મંદિરના ટ્રસ્ટીઓને મોકલી છે.
‘હું તારાં પ્રેમમાં છું’
યુવતીએ ફરિયાદમાં સુજ્ઞય સ્વામી પર આક્ષેપ કર્યો છે કે, તેને પોતાની વાસનાનો શિકાર બનાવ્યા બાદ સાધુ સુજ્ઞયદાસ તે યુવતીને સતત ફોન તેમજ મેસેજ કરીને કહેતો કે હું તારાં પ્રેમમાં છું. યુવતીએ શરૂઆતમાં સાધુના કાંડની જાણ પરિવારજનોને કરી ન હતી, પરંતુ સાધુએ તમામ હદો વટાવી દેતાં કંટાળી ગયેલી યુવતીએ પોતાના ઘરનાં સભ્યો તેમજ ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓને ઘટનાની જાણ કરી હતી. યુવતીના આક્ષેપ મુજબ મંદિર ટ્રસ્ટે આ વાતને દબાવી દેવા માટે યુવતી પર દબાણ કર્યું હતું.
કેનેડાથી વડોદરા
યુવતીએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, આ ઘટના બાદ તેના દ્વારા સુજ્ઞયદાસનો વારંવાર મોબાઈલ ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો. તો સાધુએ કોઈ રિપ્લાય આપ્યો ન હતો. યુવતી કહે છે કે, મેં પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરતાં જ સાધુ સુજ્ઞયદાસ વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરે આવી ગયા હતા.
સ્વેચ્છાએ સંસ્થા છોડી
સોખડાના ત્યાગવલ્લભદાસ સ્વામીએ આ ઘટના બાદ નિવેદન આપ્યું છે કે, કેનેડામાં યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની વાત સુજ્ઞયદાસ સ્વામીને ફસાવવા માટે તેમજ સંસ્થાને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. અલબત્ત સંસ્થા બદનામ ન થાય એ હેતુસર સુજ્ઞયદાસ સ્વામીએ સ્વેચ્છાએ સંસ્થા છોડી દીધી છે.
ભગવાનો ત્યાગ
બીજી તરફ સુજ્ઞયસ્વામીએ મીડિયા સમક્ષ પોતાના પરના આક્ષેપોને નકારતાં કહ્યું છે કે આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત છે. યુવતી વારંવાર મને મળવાનું કહેતી હતી, પરંતુ હું દર વખતે કોઇને કોઇ બહાનું કાઢીને તેને મળવાનું ટાળતો હોવાથી તે ગુસ્સે થઇ ગઇ હતી અને તેણે મને ધમકી આપી હતી કે, હું ઝેર પી લઇશ અથવા હાથની નસ કાપી નાંખીશ. તેને મારી સાથે લગ્ન કરવા હતા. તેણે મને ધમકી આપી હતી કે, હું એવી સ્થિતિ ઉભી કરીશ કે તમારે મારી પાસે આવ્યા સિવાય કોઇ વિકલ્પ રહેશે નહીં. હું ઓક્ટોબર ૨૦૧૫માં અન્નકૂટ મહોત્સવ માટે કેનેડા ગયો ત્યારે આ ઘટના બની હતી અને ટોરેન્ટોમાં તો હું ફક્ત ૬ દિવસ રોકાયો હતો.
સ્વામીએ એવું પણ જણાવ્યું છે કે, મારા ગુરુ પર અને મારી સંસ્થા પર કલંક ન લાગે તે માટે ભગવા વસ્ત્ર ત્યજીને હાલમાં મેં સાંસારિક વસ્ત્રો ધારણ કર્યાં છે. હું સત્ય બહાર લાવીશ. યુવતીએ વોટ્સએપ પર મને તેની નગ્ન તસવીરો મોકલી છે હું તેની પર બદનક્ષીનો દાવો પણ કરવાનો છું.


