સોનાની જ્વેલરીની ખરીદીમાં વિદેશવાસીઓનું આકર્ષણ ઘટ્યું

Wednesday 28th March 2018 07:48 EDT
 
 

કોલકાતાઃ એનઆરઆઈઓને સોનાના આભૂષણની ચમક હવે ઝાઝી આકર્ષતી નથી. બિનનિવાસી ભારતીયોને તેમની ખરીદી સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી) રિફંડ મળતું ન હોવાથી જ્વેલરીનું આકર્ષણ ઘટ્યું છે. જીએસટીના કાયદા અનુસાર કોઈ એક વ્યક્તિ બિનનિવાસી ભારતીય અથવા વિદેશી નાગરિક હોય અને છ મહિના કરતાં ઓછા સમયગાળા માટે ભારતમાં પ્રવેશ કર્યો હોય તો તેઓ જ્યારે ભારત છોડે ત્યારે જીએસટી રિફંડ મેળવી શકે છે.
ભારત પરંપરાગત હાથ બનાવટની ગોલ્ડ જ્વેલરી માટે વિશ્વનાં બજારોમાં પ્રસિદ્ધ છે. હાથ બનાવટની ભારતીય જ્વેલરી માટે ઘરઆંગણાના વપરાશ ઉપરાંત મોટું એનઆરઆઈ માર્કેટ પણ છે. સોનાના આભૂષણો પર ત્રણ ટકા જીએસટી લાગુ પડે છે. સોના પર ૧૦ ટકા આયાત જકાત પણ છે.
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે, ગોલ્ડ ઉદ્યોગ ભારતની બહાર નિકાસ કરવામાં આવેલા ગુડ્ઝ પર રિફંડ મેળવવામાં મુશ્કેલીનો અનુભવ કરી જ રહ્યો છે ત્યારે જ્વેલર્સે એનઆરઆઈની ખરીદીના સંદર્ભમાં નવા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે.
ફેડરેશનના ચેરમેને જણાવ્યું હતું કે કોમોડિટીનું મૂલ્ય ઊંચું છે તે જોતાં તેમાં ટેક્સનો હિસ્સો નોંધપાત્ર છે તથા આભૂષણોની ખરીદી કરવી કે નહીં તે નક્કી કરવામાં પ્રવાસીઓ ગૂંચવાય છે. રિફંડ વ્યવસ્થાના અભાવમાં જીએસટી હેઠળ પ્રવાસીઓ માટેની ખરીદી મંદ પડી રહી છે. વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે કરકપાત પરત કરવાનો માર્ગ શહેરો તથા દેશો માટે અગત્યનો માર્ગ બન્યો છે. અન્ય દેશોમાં જે પ્રથા ચાલતી હોય છે તેને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ જ્યારે પણ દેશ છોડે ત્યારે તેમણે કરેલી ખરીદી પરનો કર રિફંડ મળે તેવી સ્થિતિમાં હોવા જોઈએ.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા પણ નીતિન ખંડેલવાલ જેવા જ વિચારો ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે રિફંડ નથી મળી રહ્યાં ત્યારે એનઆરઆઈ તથઆ વિદેશી નાગરિકો ભારતમાં પરંપરાગત આભૂષણોની ખરીદી કરતાં ખચકાય છે જે સીધી રીતે જ્વેલર્સને અસર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter