સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષપદે ફરી કેશુભાઇ

Thursday 09th March 2017 02:42 EST
 
 

વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક ટ્રસ્ટનાં વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૭ માટે અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની ફરી સર્વાનુમતે વરણી કરાઇ છે. બેઠકમાં કેશુભાઇના નામની દરખાસ્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૂકી હતી અને લાલ કૃષ્ણ અડવાણીએ તેને સમર્થન આપ્યું હતું. આઠ માર્ચે એક દિવસની સોમનાથની મુલાકાતે આવેલા વડા પ્રધાને સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને ગુજરાતના વિકાસ માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરી હતી.

સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટી કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, અમિત શાહ, જે. ડી. પરમાર, પી. કે. લહેરી, હર્ષવર્ધન નિવેટીયા ઉપસ્થિત રહ્યા હતા. મિટીંગમાં સોમનાથ મંદિરનાં વિકાસ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. જેમાં ૫૧ શક્તિપીઠોમાંથી વિલુપ્ત થયેલા પ્રભાસપાટણમાં ચંદ્રભાગા શક્તિપીઠનું પુનઃ સ્થાપન કરવાનો નિર્ણય મહત્ત્વનો હતો.

વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત સોમનાથ દાદાનાં દર્શને આવ્યા હતા. દર્શન બાદ ૨૨ મિનિટના અભિવાદન સમારોહમાં તેમણે ગુજરાતનાં વિકાસ માટે નવી યોજનાઓની જાહેરાત કરી હતી.

ગુજરાત આવું એટલે બધું બરાબર થઈ જાય છે!

અભિવાદન સમારોહમાં મોદીએ જનમેદનીને પૂછયું હતું કે, બધું બરાબર છે ને? ત્યારે લોકોએ મોટા અવાજે ‘હા’માં જવાબ આપ્યો હતો. બાદમાં તેમણે કહ્યું કે, ‘ગુજરાતમાં આવું એટલે બધું બરાબર થઈ જાય છે...’ તેમના શબ્દોને લોકોએ હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા. હાલ ગુજરાતમાં રાજકીય માહોલ વિપરીત દિશામાં જઈ રહ્યો છે. ત્યારે વડા પ્રધાન મોદીનું આ નિવેદન ઘણું કહી જાય છે.

સોમનાથ દાદાને જળાભિષેક

અભિવાદન સમારોહ પૂર્ણ કરી પીએમ મોદી સોમનાથ મહાદેવના મંદિર તરફ નીકળ્યા ત્યારે તેમણે પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યાં હતાં. બાદમાં સોમનાથ મહાદેવને શીશ નમાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજાવિધિ કરી પાંચ રાજ્યોની ચૂંટણીનાં સારા પરિણામ માટે પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter