વેરાવળઃ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં સંકુલનાં પ્રવેશદ્વારે સોમનાથ ટ્રસ્ટે એક બોર્ડ મુકીને એક ગંભીર વિવાદ ઊભો કર્યો છે. આ બોર્ડમાં જણાવ્યું છે કે, સોમનાથ મુખ્ય જ્યોતિર્લિંગ તીર્થધામ હિન્દુઓનું તીર્થધામ છે. પવિત્ર તીર્થધામમાં બિનહિન્દુએ દર્શન પ્રવેશ માટે જનરલ મેનેજરનો સંપર્ક કરી પ્રવેશ માટેની મંજૂરી મેળવ્યા બાદ દર્શન માટે પ્રવેશ મળશે. આ બોર્ડ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. જે મંદિરનાં ટ્રસ્ટમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપનાં દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણી ટ્રસ્ટી અને ગુજરાતનાં પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ ચેરમેન હોય એ મંદિરમાં બિનહિન્દુઓનો પ્રવેશ નિયંત્રિત થતાં અનેક પ્રશ્નાર્થ થઇ રહ્યા છે. આ વિવાદ પછી સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવિણ કે. લહેરીએ એવી અખબારી યાદી પ્રસિદ્ધ કરી હતી કે, તાજેતરમાં બિનહિન્દુઓનાં મંદિર પ્રવેશ બાબતે યાત્રાળુઓ અને સલામતી રક્ષકો વચ્ચે વિવાદ થયો હતો. ભવિષ્યમાં આવો વિવાદ ન થાય તે માટે અન્ય અનેક મંદિરોની જેમ પરંપરા મુજબ બિનહિન્દુ વ્યક્તિએ ટ્રસ્ટની કચેરીમાંથી તેમનો પ્રવેશ હેતુ નોંધાવી મંજૂરી મેળવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશનાં તમામ ધાર્મિક સ્થળોએ જેતે ધર્મોના ધારાધોરણ મુજબ અન્ય ધર્મીઓનો પ્રવેશ નિયંત્રિત કરાય છે. કોઇ વિવાદનો મુદ્દો નથી. કારણકે, સોમનાથ ટ્રસ્ટની બિનહિન્દુ માટે પ્રવેશ નિયંત્રિત કરવાની જવાબદારી છે.
જોકે, ટ્રસ્ટનાં દાવા મુજબ બિનહિન્દુઓ અને સલામતી રક્ષકો વચ્ચે થયેલો વિવાદ શું હતો તેનો ટ્રસ્ટનાં સત્તાધીશોએ કોઇ ફોડ પાડ્યો નથી. બે દિવસ પહેલાં બોર્ડ મૂકી દેવાયા બાદ મીડિયા કર્મીઓનું ધ્યાન જતાં અને અનેક ભક્તોએ પણ સવાલ ઉઠાવતાં ટ્રસ્ટનાં સત્તાધીશો સફાળા જાગ્યા હતા. અને પત્રકારોને ઇ-મેઇલથી ખુલાસો મોકલ્યો હતો.
નિર્ણય સોમનાથ ટ્રસ્ટનો છે:
આ નિર્ણય ટ્રસ્ટનો છે. તેઓ સ્વતંત્ર છે. એમાં અમારી કોઇ ભૂમિકા હોતી નથી. અને સરકારે પણ એવી કોઇ સૂચના આપી નથી.
- મહેન્દ્ર ત્રિવેદી, અધ્યક્ષ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
હિન્દુ વેશમાં આતંકવાદી ઘૂસ્યા તો ?
મુંબઇનાં હુમલામાં કસાબ સહિતનાં આતંકવાદીઓ ટીશર્ટ-ટ્રાઉઝર જેવા કપડામાં સજ્જ હતા. એનો અર્થ કે છૂપાવેશે બિનહિન્દુ મંદિરમાં મંજૂરી વિના કોઇ પણ ઘૂસી શકે.
બોર્ડ ગુજરાતીમાં
બિનહિન્દુનાં પ્રવેશ અંગેનું બોર્ડ ગુજરાતીમાં મુકાયું છે. જ્યારે અહીં વિશ્વભરમાંથી લોકો આવે છે. ત્યારે જો ગુજરાતી ન જાણતા હોય અને બિનહિન્દુ હોય તો તેને કેવી રીતે આ અંગે જાણ થશે? તેવો સવાલ પણ ઊભો થયો છે.
આવું કેમ કર્યું?
મંદિરનાં સચિવ પી. કે. લહેરીનાં જણાવ્યામુજબ તાજેતરમાં બિનહિન્દુનાં મંદિર પ્રવેશ વખતે સલામતી રક્ષકો સાથે વિવાદ થયા બાદ આવો નિર્ણય લેવો પડ્યો. પરંતુ જ્યારે આવો સંવેદનશીલ નિર્ણય ટ્રસ્ટે લીધો છે ત્યારે ઘટના શું હતી તેનો ખુલાસો ટ્રસ્ટ કરતું નથી.
કપડાં એજ ઓળખ:
મંદિરમાં પ્રવેશતા બિનહિન્દુને ઓળખવાની કોઇ સિસ્ટમ છે ખરી ? એવા પ્રશ્નનાં જવાબમાં ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે, અત્યારે તો પહેરવેશ પરથી તે હિન્દુ છે કે બિનહિન્દુ તેની ઓળખ થશે. આ સિવાયની કોઇ બીજી પદ્ધતિ અત્યારે અપનાવી નથી.
કારણ આપી મુસ્લિમ પણ પ્રવેશ મેળવી શકે:
સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રવેશ માટે હિન્દુ સિવાયની કોઇપણ ધર્મની વ્યક્તિ તેને યોગ્ય કારણ પૂછાશે. અને જો તે યોગ્ય જણાશે તો તેને દર્શન કરવાની મંજૂરી અપાશે.


