વેરાવળઃ સોમનાથ મંદિરમાં બિનહિન્દુઓને પ્રવેશ માટે નિયંત્રણો લદાતાં આ અંગે વિવાદ ઊભો થયો છે. ખુદ ટ્રસ્ટીમંડળમાં પણ આ મુદ્દે જુદોજુદો મત પ્રવર્તે છે. સોમનાથ ટ્રસ્ટના ૪૦ વરસ જૂના ટ્રસ્ટી જીવણભાઈ પરમારે આ નિર્ણયનો વિરોધ કરીને જણાવ્યું છે કે, આ નિર્ણય સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીએ અંગત રીતે લીધો છે અને આ નિર્ણય ભેદભાવભર્યો છે. સોમનાથ ટ્રસ્ટમાં ૪૦ વર્ષથી ટ્રસ્ટી પદે સેવા આપતા ટ્રસ્ટી જીવણભાઇએ આ નિર્ણયનો વિરોધ દર્શાવી આ નિર્ણય સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે લીધો ન હોવાનું અને પી.કે. લહેરીએ મનસ્વી રીતે લીધો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પરમારે સેક્રેટરી લહેરીને પત્ર પાઠવી જણાવેલ કે, તેમના દ્વારા લેવાયેલા નિર્ણયને ભેદભાવભર્યો ગણાવી પોતાની સંમતી ન હોવાનું તેમ જ સમગ્ર જવાબદારી તેમની અંગત રહેશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તક ૬૫ નાના-મોટા મંદિરોનું સંચાલન થાય છે અને ભૂતકાળમાં પણ આવા કોઇ નિર્ણયો લેવાયા નથી. ત્યારે ટ્રસ્ટી જીવણભાઇએ સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષઠા સમયની ઘટનાને તાજી કરતા વધુમાં જણાવેલ કે, તે સમયે સ્થાનિક બ્રાહ્મણો દ્વારા સોમનાથ મંદિરમાં દરેક સમાજના પ્રવેશના કારણે તેઓ પૂજા વિધી નહી કરે તેમ જણાવેલ ત્યારે દિગ્વીજયસિંહજી જામસાહેબે દક્ષિણના પંડિતોને બોલાવી પૂજાવિધી કરાવી આ મંદિરમાં આવો કોઇ ભેદભાવ રાખવામાં નહીં આવે તે વાત સ્પષ્ટ કરી હતી. આટલું જ નહીં તત્કાલીન રાષ્ટ્રપતિએ પણ અવાર-નવાર આ વાતનું ગૌરવ લઇ આ મંદિરને એકતાનું પ્રતીક ગણાવેલ છે.