સોમા ગાંડા સ્ટિંગઃ રૂ. ૧૦ કરોડથી વધારે કોઈને મળ્યા નથી

Tuesday 03rd November 2020 11:43 EST
 
 

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસે શરૂઆતથી જ જયચંદ ગદ્દારો વેચાયા હોવાના આક્ષેપો સાથે પ્રચાર કર્યો હતો. દરમિયાન રવિવારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી સોમા ગાંડા પટેલ અને ગાંધીનગરના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ વચ્ચેના વાર્તાલાપનું સ્ટિંગ ઓપરેશન બહાર પાડયું હતું.

આ વીડિયોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા સોમા ગાંડા કબૂલાત કરે છે કે, કોઈ પણ ધારાસભ્ય આમ જ થોડું રાજીનામું આપશે? રૂ. ૨૦ કરોડ મળ્યાની વાત ખોટી છે. કોઈને રૂ. ૧૦ કરોડથી વધારે અપાયા નથી. ટિકિટ અને પૈસાનો સોદો થયા હોવાની વાતની સોમા ગાંડાએ કબૂલાત કરી છે. કોંગ્રેસે કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં ભ્રષ્ટાચારી ભાજપના ચલણ-ચરિત્ર બેનકાબ થયાં છે.

ગાંધીનગરના સર્કિટ હાઉસના જ કોઈ રૂમમાં સ્ટિંગ થયાની ચર્ચા છે. એ અંગે અંકિત બારોટે કહ્યું કે, આ સ્ટિંગ તો બે મહિના પહેલાં કરાયું હતું. અત્યારે તેનો વીડિયો કેવી રીતે બહાર આવ્યો તેની મને ખબર પડતી નથી. અંકિતે કહ્યું કે, મને કોરોના થયો છે. હું હોમ ક્વોરેન્ટાઈન છું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં અંકિત બારોટ વિવાદમાં સપડાયા હતા. ભાજપ દ્વારા અપહરણ થયાની ફરિયાદ પણ તેમણે આપી હતી. જેને લઈને કાનૂની જંગ પણ ખેલાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter