ગાંધીનગરઃ ટેન્ડર વગર રાજ્યનાં જળાશયોને મત્સ્યોદ્યોગ માટે ફાળવવાના રૂ. ૪૪૦ કરોડના કૌભાંડ મુદ્દે ગાંધીનગર કોર્ટે તત્કાલીન મત્સ્યોદ્યોગ પ્રધાન દિલીપ સંઘાણી અને વર્તમાન રાજ્યકક્ષાના પશુપાલન પ્રધાન પરસોત્તમ સોલંકી સહિત સાત આરોપી સામે ફોજદારી કેસ દાખલ કરવા તથા સમન્સ પાઠવવા આદેશ કર્યો છે.
રાજ્યનાં જળાશયોનો ફિશિંગ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર ૫૯ જેટલી કંપનીને આપવાના કૌભાંડ અંગે વર્ષ ૨૦૧૨માં ઇશાક મરડિયાએ પરસોત્તમ સોલંકી સામે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેની સામે કોર્ટે ગાંધીનગર પોલીસ અધિક્ષકને તપાસનો આદેશ કર્યો હતો, પરંતુ ગાંધીનગર પોલીસે નિયત સમયમાં અહેવાલ ન આપતાં કોર્ટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપી હતી.
ફરિયાદીના વકીલ વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, બ્યુરોએ મે, ૨૦૧૪માં અને બાદ ૨૩ જૂન, ૨૦૧૫ના રોજ કોર્ટેને તપાસ અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં તત્કાલીન કેબિનેટ પ્રધાન દિલીપ સંઘાણી અને અન્ય અધિકારીઓ મળીને કુલ ૭ વ્યક્તિની સંડોવણી હોવાનું જણાયું હતું.