સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સેસન્સ કોર્ટે આઈપીએસ અધિકારી અભય ચૂડાસમાને ક્લીન ચિટ આપી છે. આ ઉપરાંત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેંકના ચેરમેન અજય પટેલ અને બેંકના ડાયરેક્ટર યશપાલસિંહ ચૂડાસમાને ડિસ્ચાર્જ કર્યા છે. હવે આ કેસમાં ડીવાયએસપી આર.કે. પટેલ અને અર્હમ્ ફાર્મના માલિક રાજુ જીરાવાલાની ડિસ્ચાર્જ અરજી પડતર છે. આમ સીબીઆઈ દ્વારા થયેલી તપાસ બનાવટી સાબિત થઈ રહી છે. જયારે સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી તપાસ યોગ્ય ઠરે છે.
મેડિકલમાં NRI ક્વોટામાં પ્રવેશ માટે પરીક્ષા લેવાશેઃ ધોરણ-૧૨ સાયન્સ પછીના એમબીબીએસ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ અને ઓલ ઇન્ડિયા ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવવા માટે પ્રીમેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે. પરંતુ એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ મેળવવા માટે ફોરેન એજ્યુકેશન મુજબ ધોરણ-૧૨માં મેળવેલા માર્કના આધારે પ્રવેશ ફાળવવામાં આવતો હતો. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને એમસીઆઇના માર્ગદર્શન પ્રમાણે હવે આ વર્ષે જુનથી શરૂ થતા ૨૦૧૫-૨૦૧૬ના નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે.
બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરે કોંગ્રેસ સાથે ચર્ચા કરીઃ ગુજરાતની સામાજિક-આર્થિક અને રાજકીય મુદ્દાઓની ચર્ચા કરવા માટે બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વાયને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી આ મુલાકાતમાં રાજ્યની રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિની ચર્ચા થઈ હતી. સોલંકીએ અમદાવાદમાં એમ્બેસી ઓફિસ સ્થપાય તેવી રજૂઆત કરતા ડેપ્યુટી હાઈ કમિશનરે આ બાબતે હકારાત્મક રીતે વિચારવાની પણ ખાતરી આપી હતી.
કૈલાસનાથનને CMOમાં ગૃહ વિભાગ સોંપાયોઃ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના અગ્રસચિવ તરીકે એસ.અપર્ણાએ કાર્યભાર સંભાળ્યા બાદ ચીફ મિનિસ્ટર ઓફિસ (સીએમઓ)ના ત્રણ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પૂન: કાર્યવહેંચણી કરવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગનો મહત્ત્વનો હવાલો કે. કૈલાસનાથનને સોંપવામાં આવ્યો છે. જળસંપત્તિ, પાણી પુરવઠા તેમ જ માહિતી પ્રસારણ વિભાગ અજય ભાદુને અપાયો છે. સામાન્ય વહીવટ વિભાગમાં પર્સોનલ ડિપાર્ટમેન્ટ કૈલાસનાથન હસ્તક રાખવામાં આવ્યો છે. જ્યારે પ્લાનિંગ, એઆરટીડી અને એનઆરજી વિભાગ એસ. અપર્ણાને સોંપાયા છે. જોકે, એસ. અપર્ણા પાસે શહેરી વિકાસ, ઊર્જા અને પેટ્રોલિયમ, પંચાયત અને માર્ગ અને મકાન જેવા મહત્વના વિભાગો પણ રહેશે.
રાજપથ કલબના હોદ્દેદારો જાહેરઃ અમદાવાદની જાણીતી અને હાઇ પ્રોફાઇલ રાજપથ કલબની ગત મહિને યોજાયેલી ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી. પછી ૨૭ એપ્રિલે કાનૂની વિવાદનો અંત આવતા જ નવા ચૂંટાયેલા સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ, ઉપ પ્રમુખ પદે યુવાન મિસાલ ઈલેશ પટેલ, સેક્રેટરી તરીકે ડો.વિક્રમ શાહ, જોઈન્ટ સેક્રટરી તરીકે કમલેશ પટેલ જાહેર કરાયા છે.