મુંબઈ: ગુજરાતનાં બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી ડી. જી. વણઝારા અને દિનેશ એમ. એન.ને આરોપમાંથી પહેલી ઓગસ્ટે દોષમુક્ત જાહેર કર્યા હતા. આ બંને પોલીસ અધિકારીઓ સામે બનાવટી એન્કાઉન્ટરનો આરોપ હતો. વણઝારાને ૨૦૧૪માં જામીન મળી ગયા હતા અને કહેવાય છે કે તેમને પુરાવાના અભાવે છોડાયા છે. અગાઉ આ કેસમાં આઈપીએસ રાજકુમાર પાંડિયનને પણ દોષમુક્ત જાહેર કરાયા હતા.
સોહરાબુદ્દીનના ૨૦૦૫માં થયેલા કથિત બોગસ એન્કાઉન્ટર સંબંધમાં વણઝારાની ૨૪ એપ્રિલ, ૨૦૦૭ના રોજ ધરપકડ થઈ હતી. મુંબઈની એક કોર્ટે વણઝારાને સપ્ટેમ્બર, ૨૦૧૪માં સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિના કથિત નકલી એન્કાઉન્ટરમાં જામીન આપ્યા હતા. વણઝારા પર આરોપ હતો કે એમની આગેવાનીમાં ઘણા લોકોને બનાવટી એન્કાઉન્ટરમાં પતાવી દેવાયા હતા. આ કેસમાં સોહરાબુદ્દીન ઉપરાંત એની પત્ની કૌસરબી, તુલસીરામ પ્રજાપતિ, સાદિક જમાલ, ઈશરત જહાં અને એની સાથે માર્યા ગયેલા ત્રણ સાગરિતોનો સમાવેશ થતો હતો.


