અમદાવાદ: દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં તેની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ચોથીએ વાતાવરણમાં પલટો આવતાં ભર ઉનાળે અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભૂજમાં ચોથીએ પવન સાથે વરસાદી ઝાપટું પડયું હતું. અંબાજીમાં ચોથીએ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં અડધાથી એક ઈંચ વરસાદ તૂટી પડયો હતો. કોટેશ્વર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું હતું. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. બાદમાં કરા પણ પડયા હતા. આગામી ચોવીસ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને ઉનાળુ બાજરી, મગ, જુવાર અને કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહીં છે.
માવઠાના મારથી ખેડૂતો ચિંતિત
અગાઉ મહિના પહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. ખાસ કરીને ઘઉં, બાજરી અને કેરીમાં નુકસાન વેઠયું હતું. હવે ફરીથી એ જ સ્થિતિ સર્જાતાં ખેડૂતોને પડતા ઉપર પાટું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
કેરીને ફરી નુકસાન
વાતાવરણમાં પલટો આવતાં કેરીના પાકને સૌથી મોટું નુકસાન થશે તેવું કૃષિ તજજ્ઞો જણાવી રહ્યા છે. હાલ કેરીનું ફળ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ફરીથી વાદળછાયું વાતાવરણ થતાં તેમાં જીવાતની સાથે માખીઓનો ઉપદ્રવ વધી શકે છે.


