રાજકોટઃ સૌરાષ્ટ-કચ્છ 16 બેઠકો કે જયાં પાટીદાર મતો પ્રભાવક પુરવાર થાય છે ત્યાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ અને અમરેલી જિલ્લાની ત્રણ બેઠક તથા જામનગરની બે બેઠકમાં ભાજપ-કોંગ્રેસ, એક બેઠકમાં ભાજપ-આપના પાટીદાર ઉમેદવાર જાહેર કરાયા છે તેમજ જૂનાગઢ જિલ્લાની એક બેઠકમાં ત્રણ ઉમેદવાર અને એક બેઠકમાં ભાજપ-આપના પાટીદાર ઉમેદવાર સામ સામે લડશે.
મોરબી તેમજ ટંકારાની બેઠક પર ત્રણેય પક્ષોએ પાટીદારને ટિકિટ આપી છે. આ વખતે ભુજની બેઠકમાં સૌપ્રથમ વખત ત્રણેય પક્ષોએ પાટીદાર ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સૌરાષ્ટ્રમાં 2017ની ચૂંટણીમાં પાટીદાર પ્રભાવ ધરાવતી 13 બેઠકોમાંથી કોંગ્રેસને 9 ભાજપને 4 બેઠકો મળી હતી.
ભાજપ દ્વારા જાહેર કરાયેલી પ્રથમ યાદીમાં સૌથી વધુ ટિકિટ પાટીદારોને આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 2017માં ભાજપને પાટીદાર આંદોલનને લઈને ઘણું નુકસાન થયું હતું. ખાસ કરીને અમરેલી જિલ્લામાં 2017માં પાંચમાંથી ચાર બેઠકમાં સામસામે પાટીદાર ઉમેદવારો હતા, પણ તમામ બેઠકોમાં કોંગ્રેસની જીત થઈ હતી. અમરેલી જિલ્લામાં આ વખતે અમરેલી-લાઠી, સાવરકુંડલામાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદારો ઉમેદવારોને ટિકિટ આપી છે તેમજ ધારીમાં હાલમાં ભાજપ અને આપના પાટીદાર ઉમેદવારો જાહેર કરયા છે.
રાજકોટ (દક્ષિણ) બેઠક - જેતપુર અને ધોરાજીની બેઠક પર ત્રણેય પાર્ટીઓએ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ જ રીતે જામનગર (ગ્રામ્ય)માં ભાજપ અને આપ, જામનગર દક્ષિણ બેઠક અને જામજોધપુરની બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર પાટીદાર છે. જૂનાગઢ શહેરની બેઠક પર ભાજપ અને આપ દ્વારા પાટીદારને ટિકિટ અપાઈ છે તો વિસાવદર બેઠક ત્રણેય પાર્ટી દ્વારા પાટીદારને ટિકિટ આપી છે.
ભાવનગર જિલ્લામાં ગારિયાધાર બેઠક પર ભાજપ અને આપ દ્વારા પાટીદારને ટિકીટ આપી છે. ભુજ બેઠક પર આ વખતે સૌપ્રથમ વખત જ ત્રણેય પાર્ટીઓએ પાટીદારની ટિકિટ આપી છે. આમ 2022માં સૌરાષ્ટ્ર-કચ્છમાં પાટીદારોને વધુ ટિકિટો આપી મેદાનમાં ઉતાર્યા છે.


