અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વલસાડ, વાપી અને ધરમપુરમાં ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આઠમીથી પાણી ભરાતાં રહે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, રાજુલા, ખાંભા સહિતના વિસ્તારોમાં આઠમીએ એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો. કેટલીક નદીઓમાં નવા નીરની આવક પણ થઈ હતી. રાજકોટના કોટડાસાંગાણીના અનીડાવાછડામાં નવમીએ માત્ર બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમેરલી તેમજ જાફરાબાદમાં એક ઈંચ જ્યારે વડિયામાં નવમીએ દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ખાંભા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાતમીથી સરેરાશ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભાડ ગામની સૂરજવડી નદીમાં નવમીએ પૂર આવ્યું હતું. મોટા ત્રાકડિયા, વાવડી, ડેડાળ, રાયડી, રાણીંગપરા સહિતના ગામોની નદીઓ બે કાંઠે વહી રહી છે.
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી ઘટીને સાતમીથી સતત ૩૯.૯ ડિગ્રી નોંધાઈ હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આઠમીથી શરૂ થયેલો વરસાદ લગભગ ચાલુ જ રહ્યો છે. વલસાડમાં દસમીએ સાત કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ૮૦ ટકા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. દસમીએ તાપીના નિઝરમાં એક ઈંચ, ગણદેવી તાલુકામાં દોઢ ઈંચ, ખેરગામ, નવસારીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે.
અમરેલીનાં ગાધકડા ગામમાં ભારે વરસાદથી નદીનાં પાણી ગામમાં ઘુસી ગયા હતા. જૂનાગઢમાં પણ અડધો ઈંચ વરસાદ તૂટી પડયો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છે.
બળદગાડું તણાયું
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ગાડા સાથે નવમીએ ખેડૂત તણાઈ ગયો હતો. બે કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે બે બળદ તેમજ ગાડાનો રાત સુધી પત્તો લાગ્યો ન હતો. ઉપરવાસના વરસાદને કારણે ફુલઝર નદીમાં પૂર આવ્યું હતું. ગાધકડાના વતની નારણભાઈ ભુરાભાઈ ડાવરા (ઉ.વ.પપ) કલ્યાણપુર ગામ પાસેથી નદી કાંઠેથી ગાડા સાથે પસાર થતા હતા.


