અમદાવાદ: રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે માઝા મૂકી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ ઠેર ઠેર મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સારા વરસાદના એંધાણથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. વાતાવરણમાં ૨૯મી જૂનથી ખાસ પલટો નોંધાયો હતો અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો હતો. ૨૯મી જૂને રાજકોટ જિલ્લાના સાત તાલુકાઓમાં મધ્યમથી ચાર ઈંચ વરસાદ થયો હતો.
સૌરાષ્ટ્રમાં ગોંડલમાં ધોધમાર ૪ ઈંચ, માણાવદરમાં ૧.૫ ઈંચ, ભેંસાણ, તાલાળા, જેતપુર, જામકંડોરણા, ધારી, કેશોદમાં એકાદ ઈંચ વરસાદ થયો હતો. માત્ર ગોંડલમાં જ ૧૦૦ મિમી સહિત સિઝનનો કુલ વરસાદ ૪૧૫ મિમી નોંધાયો છે. ગોંડલમાં ૩૦મીએ પણ ધોધમાર વરસાદના કારણે હાઈ-વે સહિત ગોંડલ શહેરમાં ટ્રાફિક જામ નોંધાયો હતો.
મંગળવારે રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. બાબરાના ધરાઇ ગામે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ૩૦મીએ જસદણના સાણથલી ગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. કાલાવડમાં એક કલાકમાં ૩ ઇંચ, જામનગરમાં ૧ ઇંચ, જોડિયામાં ૧ ઇંચ, ધ્રોલમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ દિવસે સૂત્રાપાડામાં ૨ ઈંચ, વેરાવળમાં ૧ ઈંચ, દીવ, ખાંભા, ઉના, કોડીનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલ નજીકના ડોડિયાળા ગામે ખેતરમાં વીજળી પડી હતી જેથી ખેતરમાં ખેતી કામ કરતા એક માણસને ઇજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભાવનગરમાં ભરતનગરમાં આવેલી ત્રણ મજલા બિલ્ડીંગનો એકબાજુનો ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં કાટમાળ નીચેની દુકાન પર પડ્યો હતો. આ ઘટનામાં એકને ઇજા પહોંચી હતી. આ ઘટના બનતાં વરસાદમાં પણ લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયા હતા.
બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ
ચાલુ સપ્તાહે બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ નહીં થતાં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. ૨૯મી જૂને દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, વલસાડ અને વાપીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડયાં હતા. ડાંગમાં સારો એવો વરસાદ હોવાનું નોંધાયું છે. સુરત શહેરમાં એક ઇંચ અને માંગરોળ-ઓલપાડમાં ૨૦ મિમી વરસાદ નોંધાયો હતો. સોમવારે સુરત શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રાજપીપળામાં વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતો ચિંતિત હતા, પણ નાંદોદ સહિતના વિસ્તારોમાં સોમવારે સવારે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. સતત એક કલાક સુધી ભારે વરસાદ થતાં રાજપીપળામાં ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજપીપળામાં એક કલાકમાં ૨૩ મિમી જેટલો વરસાદ તૂટી પડતાં રાજપીપળામાં ઠેર ઠેર રોડ પર પાણી ભરાઇ ગયાં હતાં.
ઉકાઇ ડેમમાં આવક સામે જાવક યથાવત્
ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે બીજા દિવસે પણ ૬,૬૧૯ ક્યુસેક પાણીની આવક યથાવત્ રહી હતી. ડેમની સપાટી ૩૨૧ ફૂટ હોવા છતાં તંત્રે ડેમમાં જેટલું પાણી આવી રહ્યું છે, તેટલું પાણી છોડી દેવાનો નિર્ણય લીધો છે. જેને પગલે સોમવારે પણ ૬,૬૧૯ ક્યુસેક પાણીની સામે ૬,૬૧૯ ક્યુસેક પાણી છોડવાનું યથાવત્ રાખવામાં આવ્યું હતું. ઉપરાંત સોમવારે સાંજે
૬ વાગ્યે ડેમમાં પાણીની સપાટી ૩૧૭.૬૦ ફૂટ નોંધાઇ હતી.