રાજકોટઃ ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડિઝ ‘ગ્રીડ્સ’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ૧૨મી જાન્યુઆરીએ વ્યાસ સેમિનાર હોલમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને કુવૈતમાં વસેલા કુલ બાર ગુજરાતી સાહિત્યકારોનું સન્માન થયું હતું.
આ પ્રસંગમાં પ્રારંભે ‘ગ્રીડ્સ’ના નિયામક ડો. બળવંત જાનીએ કાર્યક્રમની રૂપરેખા આપીને જણાવ્યું હતું કે, વિદેશમાં વસવાટ કરતાં સાહિત્યકારો ભાષા-સાહિત્યને જીવંત રાખવા વિદેશમાં સતત કાર્યક્રમો યોજતા રહે છે. આજે જે વિદેશમાં ગુજરાતી સાહિત્યને ધબકતું રાખે છે તેમની સાથે સાહિત્ય વિશે ચર્ચા કરવાનો અનેરો લહાવો છે.
આ કાર્યક્રમમાં યુ એસમાં વસતા સાહિત્યકારો મધુ રાય, પ્રીતિ સેનગુપ્તા, નિલેશ રાણા, રાહુલ શુક્લ, કોકિલા રાવળ, રેખા પટેલ, બ્રિટનવાસી જગદીશ દવે, વલ્લભ નાંઢા, પંચમ શુક્લ, પ્રફુલ્લ અમીન, કેનેડાસ્થિત જય ગજ્જર અને કુવૈતના રહેવાસી લત્તા પંડ્યા એમ બાર સાહિત્યકારોનું કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે શાલ અને પુસ્તકથી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે અમેરિકાના બે વાર્તાકારોના વાર્તાસંગ્રહો ‘નિલેશ રાણાનું ડાયસ્પોરા વાર્તાવિશ્વ’ તથા રેખા પટેલના ‘ટહુકાનો આકાર’ તથા ‘લીટલ ડ્રિમ્સ’નું લોકાર્પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. દક્ષેશ ઠાકરે કર્યું હતું.
ઠાકરે આ કાર્યક્રમ અને વિદેશમાં વસતા સાહિત્યકારોને બિરદાવતાં કહ્યું હતું કે, ડાયસ્પોરા ગુજરાતી સાહિત્ય તળ ગુજરાતની સુગંધ અને પશ્ચિમ પ્રદેશની સૌરભનો સંગમ છે.


