43 વર્ષ પહેલા મોરબીમાં મચ્છુ ડેમ તૂટતાં 1439નાં મોત થયાં હતાં

Saturday 05th November 2022 07:34 EDT
 
 

મોરબી માટે રવિવારની સાંજે ગોઝારી બની રહી. ઝલતો પુલ તૂટવાની આ દુર્ઘટનાને પગલે 1979માં મચ્છુ ડેમ તૂટતાં આવેલા વિનાશકારી પૂરની યાદ તાજી થઈ હતી. 11 ઓગસ્ટ 1979ના ગોઝારા દિવસની એ ઘટના આજે પણ ભલભલાનું કાળજું કંપાવી મૂકે છે. એ દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું પણ ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ થયું હતું અને મોરબી તબાહ થઈ ગયું હતું.
સરકારી આંકડા અનુસાર તે હોનારતમાં 1439 લોકો અને 12849 પશુઓના મોત થયા હતા. કુલ 6158 મકાનો, 1800 ઝૂપડાં સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. જ્યારે 3900 મકાનોને નુકસાન થયું હતું. હોનારતને 43 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં આજે પણ મોરબીવાસીઓએ તબાહીના દૃશ્યો ભૂલી શક્યા નથી. મુશળધાર વરસાદના તે દિવસે બપોરે આશરે સાડા ત્રણ કલાકે મચ્છુ-2 ડેમના પાળા તોડી મચ્છુનું પાણી મોત બનીને મોરબી પર ત્રાટક્યું હતું અને સમગ્ર નગરને કબ્રસ્તાનમાં ફેરવી નાખ્યું હતું. મચ્છુના પાણી 25-30 ફૂટ ઊંચા મોજા આખા મોરબીમાં ફરી વળ્યા હતા. જોતજોતામાં તો પૂરે વિનાશક રૂપ ધારણ કરીને આખું મોરબી શહેર તબાહ કરી નાખ્યું. પૂર બાદ આખા શહેરમાં ઠેર ઠેર સેંકડો મૃતદેહો જોવા મળ્યા હતા. વીજળીના થાંભલા તાર પર લટકતા માણસો અને પશુઓના મૃતદેહો પુરની ભયાનકતા દર્શાવતા હતા. જ્યાં જુઓ ત્યાં બસ મૃતદેહો અને ધ્વસ્ત થયેલા મકાનોનો કાટમાળ જોવા મળતો હતો. પોતાના સ્વજનોને શોધતા, સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓ કુદરતના આ પ્રકોપ આગળ નિઃસહાય બની ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter