રાજકોટઃ પાટીદારોને અનામત માટે ૨૬ સપ્ટેમ્બરે આંદોલન સમિતિનાં યુવાન કાર્યકર ઉમેશ ભાલાળાએ આત્મહત્યા કરી હતી. સદ્ગતની બીજે દિવસે મવડી નજીકની તિરૂપતિ સોસાયટીમાંથી નીકળેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી સમિતિના કન્વીનરો જોડાયા હતા.
રાજકોટ સહિત રાજ્યભરમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા અનામતનાં મુદ્દે લાંબા સમયથી આંદોલન ચાલતું હોવા છતાં પાટીદાર સમાજની માગણીઓ પ્રત્યે સરકારે સહાનુભૂતિ નહીં દર્શાવતાં ઉમેશ ભાલાળાએ હું મારા જીવનનો ત્યાગ કરું છું. પાટીદાર ભાઈઓને આ છે મારી શ્રદ્ધાંજલી લખી સમિતિ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય તે પહેલા આત્મઘાતી પગલું ભર્યું હતું. અંતિમયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉમેશ ભાલાળા પરિવારમાં તેના માતા-પિતા અને પત્નીને વિલાપ કરતા મુકી ગયા છે. તેના નાના ભાઇ મહેશનું પણ થોડા વર્ષ પહેલા મૃત્યુ થયું હતું.
સાંસદનો કેન્દ્રીય પ્રધાન સામે જ વિરોધઃ ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા પોરબંદરના ભાજપના સાંસદ વિટ્ઠલભાઈ રાદડિયાએ રાજકોટ જિલ્લાને પાક વીમામાં થયેલા અન્યાય સામે રાજ્ય કક્ષાના કૃષિ પ્રધાન મોહનભાઈ કુંડારીયા સામે વિરોધ નોંધાવ્યો છે. આમ, ખેડૂત પ્રશ્ને ભાજપમાં અંદરોઅંદર લડાઈ શરૂ થતાં પક્ષમાં સોંપો પડી ગયો છે. વિઠ્ઠલભાઈ કહે છે, કૃષિ પ્રધાન રાજકોટ જિલ્લાના છે છતાં રૂ. ૨૩૦૦ કરોડના વીમા સામે ખેડૂતોને રૂ. ૨૫૦ કરોડ કરતાં પણ ઓછી રકમ મળી છે. એ વાજબી ન કહેવાય. મોહનભાઇ કૃષિ પ્રધાન અને રાજકોટના સાંસદ હોવાને નાતે ખેડૂતને હળાહળ અન્યાય ન થવા દેવો જોઈએ. ખેડૂતોને ઓછો વીમો મળવાથી વ્યાપક નુકસાની ગઈ છે. આ મુદ્દે અમે સરકારમાં રજૂઆત કરીને અદાલતમાં પણ જઈશું.
વઢવાણમાં પંચાયત પ્રધાનને ભાગવું પડ્યુંઃ સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને સરકારે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટીદારો દ્વારા પેકેજના વિરોધમાં પંચાયત પ્રધાન જયંતિભાઈ કવાડીયાનો ઘેરાવો કરતા તેમને ભાગવું પડ્યું હતું. જ્યારે નારાજ મહિલાઓએ વાહનોનાં કાચ ફોડ્યા હતા. બીજી તરફ ભાજપના આગેવાનો અને શૈક્ષણિક સંકુલનાં હોદ્દેદારો ઉપર ટપલી દાવ થતા તેઓ પણ રોષનો ભોગ બન્યા હતા.