અભ્યાસમાં દીકરા-દીકરીમાં સમાનતા રાખોઃ જ્હોન હન્ટ

Wednesday 16th October 2019 06:36 EDT
 
 

પાટડી: લંડનથી સાવડાના તળાવમાં નયનરમ્ય પક્ષીઓની ફોટોગ્રાફી માટે આવેલા જ્હોન હન્ટે ગરીબના ઝૂંપડામાં ભણતા વિદ્યાર્થીઓની દયનીય હાલતનો ચિતાર મેળવીને લંડનના લોટસ ગૃપ દ્વારા રૂ. ૧૫ લાખનું દાન સાવડાની આશ્રમશાળામાં આપ્યું હતું. ૧૨મી ઓગસ્ટે લંડનના જ્હોન હન્ટ, સારા અને એરિકે દેગામ શાળાની મુલાકાત લીધી હતી. અભ્યાસમાં દીકરીઓની ઓછી સંખ્યાથી તેઓ વ્યથિત બની ગયા. તેમણે આયોજકોને જણાવ્યું કે, અભ્યાસમાં દીકરા-દીકરીઓને સમકક્ષ રાખવા જોઈએ.
લંડનથી સાવડાના નવા તળાવમાં આવતા નયનરમ્ય પક્ષીઓના ઝૂંડની ફોટોગ્રાફી માટે અગાઉ આવેલા જ્હોન હન્ટની નજર સાવડામાં ગરીબ લોકોના ઝૂંપડામાં રહી અભ્યાસ કરતા બાળકો પર પડી હતી. આથી એમણે સાવડાના શિક્ષક પ્રકાશભાઇ અને વાંસતીબહેન સાથે મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. લંડન પરત ફર્યા બાદ જ્હોન હન્ટે વ્યથિત હ્રદયે લંડનના લોટસ ગૃપના ચેરમેન સારા અને તેમના પતિ એરિકને આ સ્થિતિની વિગતવાર માહિતી આપી હતી. લોટસ ગ્રુપ દ્વારા દાન માટે તૈયારી દર્શાવાઈ હતી. એ પછી તાજેતરમાં ભારતમાં સાવડા ગામે ગરીબ અને પછાત વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે આશ્રમશાળામાં રૂ. ૧૫ લાખની આર્થિક મદદ તેઓ દ્વારા કરાઈ હતી. તેમણે રણકાંઠાના સાવડા અને દેગામની આશ્રમશાળાની મુલાકાત લઇ માનવતા માટે નાત-જાત કે દેશના સીમાડા નડતા નથી તે નજરે નિહાળ્યું હતું. એમણે દેગામ આશ્રમશાળાના સંચાલકોને મળીને અભ્યાસમાં દીકરા-દીકરીઓને સમકક્ષ રાખવા પર ભાર મૂકવા સાથે આખો દિવસ વિદ્યાર્થીઓ સાથે વિતાવ્યો હતો.
ગરીબ બાળકો માટે શાળા
વર્ષો પહેલાં રાજ્યના પૂર્વ નાણા પ્રધાન સ્વ. સનતભાઇ મહેતા તથા વઢવાણના પૂર્વ ધારાસભ્ય સ્વ. અરવિંદભાઇ આચાર્યએ રણવિસ્તારના છેવાડાના ગામડાંના બાળકો અભ્યાસ કરી શકે એવા સ્વપ્ન સાથે પાટડી તાલુકાના સાવડા, દેગામ અને વિરેન્દ્રગઢમાં આશ્રમશાળાની સ્થાપના કરી હતી. ત્યારથી આવી શાળામાં ગરીબ બાળકો ભણી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter