અમેરિકન એડમે લગ્ન પહેલાં યજ્ઞોપવિત્ત સંસ્કાર ધારણ કર્યાં

Wednesday 14th December 2016 06:44 EST
 
 

રાજકોટઃ શહેરના કોર્પોરેટર બીનાબહેન આચાર્ય અને જયેન્દ્રકુમાર આચાર્યની પુત્રી તેજલ બેંગ્લોરમાં સોફટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં જ વસી છે. તે અમેરિકામાં સોફટવેર એન્જિનિયર તરીકે એક નામાંકિત બેંકમાં કાર્યરત છે. અમેરિકામાં વસવાટ દરમિયાન તેજલની મુલાકાત અમેરિકન એડમ જયોર્જ વિન્ડર સાથે એક જીમમાં થઈ હતી.
તેજલ નિયમિત રીતે જીમમાં જતી હતી અને એડમ પણ સારો ફૂટબોલર હોઈને ફિટનેસ માટે જીમમાં નિયમિત રીતે આવતો હતો. ત્યાંથી બંનેનો પાંગરેલો પરિચય પ્રણયમાં પલટાયો હતો અને બંનેએ આ વર્ષે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. અને એ પણ હિન્દુ શાસ્ત્રોક્તવિધિ મુજબ અને તે પણ રાજકોટમાં.

એડમ અને તેજલ બંને તેમના નજીકના મિત્રો અને એડમના પરિવાર સાથે રાજકોટ આવ્યા અને તેમની લગ્નવિધિ શરૂ થઈ એ પહેલાં હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં જમાઈ બનનારા એડમે યજ્ઞોપવિત્ત સંસ્કાર પણ ધારણ કર્યાં. આ લગ્નમાં એડમના પિતા જયોર્જ વિન્ડર તથા માતા આઇલીન આવી શકશે નહીં કારણ કે એડમના નાનીમાની તબિયત થોડી નાદુરસ્ત છે, પરંતુ તેજલબહેનના અંગત મિત્રો, તે જ્યાં કામ કરે છે તે અમેરિકન બેંકના ઉચ્ચ પદાધિકારીઓ, એડમના અન્ય પરિવારજનો, ફ્રેન્ડઝ સામેલ થશે. આ ઉપરાંત તેજલ જે બેંકમાં કામ કરે છે તે બેંકના ક્લાયન્ટ ઇરાનના એક શેખ પરિવારના સભ્યો પણ તેજલના લગ્નમાં હાજર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter