આ તો એક્ટ ઓફ ગોડ છેઃ આરોપી મેનેજરની નફટાઇ

Friday 11th November 2022 05:25 EST
 
 

મોરબીઃ મોરબીના ઝૂલતા પુલની જાળવણી - સંચાલનનો કોન્ટ્રાક્ટ લેનાર ઓરેવા કંપનીની ઘોર બેદરકારીના લીધે 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસે માનવવધના આ ભયાનક અપરાધમાં કંપનીના મેનેજર દિપક પારેખની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તેણે ‘ભગવાનને ગમ્યું તે ખરું, આ તો એક્ટ ઓફ ગોડ છે’ તેવું નિવેદન આપીને દોષનો ટોપલો ભગવાન પર ઢોળ્યો હતો. દરિયાન સાપરાધ મનુષ્યવધના મોરબી પોલીસમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા ઓરેવા કંપનીના મેનેજર દીપક પારેખ અને દિનેશ દવેની રિમાન્ડ અરજી કોર્ટે નામંજુર કરતા આરોપીઓને જેલહવાલે કરાયા છે. દરમિયાન કોર્ટમાં રજૂ થયેલી વિગત મુજ 2007થી 2022 સુધીના 15 વર્ષમાં ઝુલતો પુલ ખાનગી કંપનીને સોંપવા થયેલા દસ્તાવેજો ઓરેવા કંપની અને ધ્રાંગધ્રાની એજન્સીમાંથી કબજે લેવાયા છે અને વ્યવહારો પણ તપાસાયા છે.
સમારકામમાં રૂ. બે કરોડ નહીં, માત્ર 29 લાખ ખર્ચાયા
ઓરેવા કંપનીએ મોરબી સુધરાઈ ચીફ ઓફિસર સાથે એગ્રીમેન્ટ કરીને પૂલના સમારકામ અને સંચાલનની જવાબદારી સંભાળી હતી. 26 ઓક્ટોબરે પુલનું નવેસરથી ઉદ્ઘાટન કરતા જયસુખ પટેલે જાહેરાત કરી હતી કે બે કરોડ રૂપિયાના ખર્ચે પૂલનું રિનોવેશન કરાયું છે. જોકે હવે કંપનીનું જુઠ્ઠાણું ખુલ્યું છે. કોર્ટમાં સરકારી વકીલે રજૂઆત કરી છે કે સમારકામમાં માત્ર 29 લાખનો જ ખર્ચ કરાયો છે, અને તે ખર્ચ પણ પૂલના કાટ ખાઈ ગયેલા કેબલ બદલવા કે મજબૂતાઈ વધે તે માટે નથી થયો, માત્ર ફ્લોરીંગ બદલવા જેવું કામ થયું છે. કેબલ તો એના એ જ જૂના - કાટ ખાઇ ગયેલા જ હતા.
મોરબી સુધરાઈના ચીફ ઓફિસર ઝાલા સસ્પેન્ડ
ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સરકારે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. હવે ઘટના માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેની જવાબદારી ફિકસ થાય છે તેવા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને ફરજ મોકુફી હેઠળ મૂક્યા છે. સાથે સાથે જ તેમને મુખ્ય મથક છોડવા સામે મનાઇ ફરમાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter