આ વખતે બે પદ્ધતિથી સાવજોની વસ્તી ગણતરી

Wednesday 19th February 2020 05:19 EST
 
 

રાજકોટ: દર પાંચ વર્ષ એશિયાટિક સિંહોની વસ્તીની ગણતરી થાય છે. છેલ્લે વર્ષ ૨૦૧૫માં વસ્તી ગણતરી થઈ ત્યારે ૫૨૩ સિંહ નોંધાયા હતા. હવે મે-૨૦૨૦માં ફરી સાવજોની વસ્તી ગણતરી કરાશે. આ વખતે ૭૫૦થી વધારે સિંહ નોંધાય એવું અનુમાન છે. આ વખતે સિંહોની ગણતરીની પદ્ધતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સિંહોની વસ્તી ગણતરી માટે ગીરમાં ૨૦૦૦ ટ્રેપ કેમેરા ગોઠવાશે. ૪થી મેથી ૭મી મે સુધી સિંહોની વસ્તી ગણતરી થાય તેવી સંભાવના છે.
દર વર્ષે વન વિભાગ દ્વારા જાણકારોને સાથે રાખીને ગણતરી કરવામાં આવતી. આ વખતે રાજ્ય સરકાર દ્વારા એવી વિચારણા ચાલી રહી છે કે, જે રીતે વાઘની ગણતરી થાય છે. એવી રીતે સાવજોની પણ ગણતરી કરવામાં આવે. એના માટે ગીરમાં બે ૨૦૦૦ ટ્રેપ કેમેરા ગોઠવાય. નેશનલ ટાઇગર કન્ઝર્વેટર ઓથોરિટી અને દેહરાદૂનની વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને સિંહ ગણતરીનું કામ આપવા વિચારણા ચાલે છે. સાથે સિંહેની ગણતરી ટ્રાન્ઝીસ્ટ પદ્ધતિથી થાય છે એ પણ ચાલુ રખાશે. આમ, આ વખતે બે પદ્ધતિથી સિંહની ગણતરી થશે.
મારણ બતાવીને સિંહની ગણતરી થતી
સાવજોની વસ્તી ગણતરીની પદ્ધતિ સમયાંતરે ફેરફાર થયાં છે. પહેલાં સિંહને મારણ બતાવીને તેની વસ્તી ગણતરી થતી. તેને ડાયેટ કોલિંગ પદ્ધતિ કહેવાતી. એ પછી ટ્રાન્ઝીસ્ટ પદ્ધતિ આવી. હવે ટ્રેપ કેમેરા પદ્ધતિથી પણ સિંહોની ગણતરી થશે તેવું અનુમાન છે. કેમેરાથી સિંહોની વસ્તી ગણતરી માટે અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મેં મહિનામાં અજવાળીયામાં વસ્તી ગણતરી પહેલાં જ્યાં જ્યાં સિંહના પાણી પીવાના સ્થળ છે ત્યાં કેમેરા ગોઠવાશે. આ સ્થળને ‘પોસ્ટ’ તરીકે ઓળખાય છે. આ પોસ્ટ એવા હશે કે સિંહ ૨૪ કલાકમાં કદાચ ખોરાક શોધવા કે લેવા ન નીકળે તો પણ અચૂક પાણી પીવા તો ત્યાં આવતા જ હોય. આ દરેક પોસ્ટ માટે વન વિભાગની એક અને એનજીઓની એક વ્યક્તિની મદદ લેવાતી આવી છે. હવે કેમેરાની પણ મદદ લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter