આટલી ભયાવહ દુર્ઘટના છતાં મોતના ભાગીદાર ‘સુરક્ષિત’!

Wednesday 02nd November 2022 07:22 EDT
 
 

મોરબીઃ નગર મચ્છુ ડેમ દુર્ઘટનાના 43 વર્ષ પછી ફરી એક વખત મોતના ભયાવહ તાંડવનું સાક્ષી બન્યું છે. ઝૂલતો પુલ તૂટવાથી અત્યાર સુધીમાં સત્તાવાર 135ના મોત નીપજ્યાં છે. મોતનો આંકડો 190ને પાર કરશે એવી આશંકા છે. આશ્ચર્ય અને દુ:ખ એ વાતનું છે કે જે મોટા ચહેરા આ ભયાવહ દુર્ઘટના માટે જવાબદાર છે તેમને બચાવવાનો ખેલ શરૂ થઈ ગયો છે. ઘટના બાદ પોલીસે એફઆઇઆર તો નોંધી છે પણ આ એફઆઇઆરમાં પુલનું સંચાલન કરનાર ઓરેવા ગ્રૂપનો ઉલ્લેખ નથી તથા રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનનું નામ પણ નથી. સાથે જ નગરપાલિકાના એન્જિનિયર્સનું નામ પણ ગાયબ છે. જે 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે તેમાં 2 મેનેજર, 2 રિપેરીંગ કરનાર કારીગર, 3 સિક્યોરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્ક સામેલ છે.
સમારકામ થયાના પાંચમાં દિવસે જ ઝૂલતો પુલ તુટી જતાં અનેક મોતના મુખમાં ધકેલાઇ ગયા છે ત્યારે આ ગંભીર ઘટનામાં મોરબી પોલીસ મથકમાં ઝૂલતા પુલનું મેન્ટેનેન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી તથા તપાસમાં ખુલે તેની સામે બેદરકારી દાખવી, માનવ જિંદગી જોખમમાં મૂકી મોટી જાનહાની સરજ્વા બદલ કલમ 304, 308, 114 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ઓરેવા કંપનીના બે મેનેજર - મોરબીમાં રહેતા દીપક નવીનચંદ્ર પારેખ અને દીનેશ મનસુખભાઈ દવે, બે ટીકિટ ક્લાર્ક મનસુખ વાલજીભાઈ ટોપીયા અને માધા લાખાભાઈ સોલંકી અને આ બ્રીજ રીપેરીંગનું કામ કરનાર ધ્રાંગધ્રાના કોન્ટ્રાક્ટર પિતા પુત્ર પ્રકાશ લાલજીભાઈ પરમાર તથા દેવાંગ પ્રકાશભાઈ પરમાર તેમજ દાહોદના ત્રણ સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહેલ, દીલિપ ગોહેલ તથા મનસુખ ચૌહણની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે આ દુર્ઘટના અંગે સંચાલક કંપની ઓરેવાના નામનો ઉલ્લેખ ન હોવા વિશે રેન્જ પોલીસ વડા ઉપર પસ્તાળ પડી હતી. જોકે તેમણે પ્રશ્નોના મારા વચ્ચે એટલું જ કહ્યું કે અમો કોઈ ઉપર સીધા એલીગેશન ન કરી શકીએ તપાસ ચાલુ છે.
ઓરેવા ટ્રસ્ટ હસ્તક છે પુલની જવાબદારી
મોરબીની મચ્છુ નદી પર રજવાડાના સમયમાં પ્રજાવત્સલ રાજા સર વાઘાજી ઠાકોર દ્વારા લાકડા અને વાયરના આધારે 233 મીટર લાંબો અને 4.6 ફૂટ પહોળો ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. સમય જતાં આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. પાલિકા દ્વારા ઓરેવા ટ્રસ્ટને આગામી 15 વર્ષ સુધી આ પુલની મેન્ટેનન્સ અને રીપેરીંગની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી. પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રીપેરીંગ બાદ પાંચ દિવસ પહેલાં ઓરેવા ટ્રસ્ટ દ્વારા પાલિકાને જાણ કર્યા વિના ઝુલતા પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દીધો હતો.
પુલ તૂટ્યો ત્યાં 15-20 ફૂટ ઊંડુ પાણી
ચોમાસામાં સારો વરસાદ થયેલો હોઇ મચ્છુ નદીમાં પાણીનું સારું એવું પ્રમાણ છે. જે સ્થળે ઝુલતો પુલ તુટી પડ્યો ત્યાં નીચે 15થી 20 ફૂટ પાણી હોવાનું જાણવા મળે છે. પુલનાં બે ફાડિયાં થયાએ વખતે પુલ પર રહેલા લોકો ઊંડા પાણીમાં પટકાયા હતા, જેને કારણે તેમજ મચ્છુના ખડકો સાથે અથડાવાને કારણે મૃત્યુ થયાં હોવાનું મનાય છે. ઘટના બનવાનું કારણ પૂછતાં ઓવરવેઈટ થવાના કારણે આ હોનારત સર્જાઈ હોવાનું કહેવાય છે. નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો જે પછી આ તહેવાર દરમિયાન 12000થી વધુ લોકોએ પુલની મુલાકાત લીધી હતી.
ચાર દિવસ પૂર્વે જ પુલ ફરી ચાલુ થયો હતો
રાજાશાહી વખતનો 140 વર્ષ જૂનો વિશ્વકક્ષાનો ઝુલતો પુલ 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના રિપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરી ઓરેવા ટ્રસ્ટને અપાઇ હતી. જેના દ્વારા એક કરોડ રૂપિયાના ખર્ચે રિપેર કરીને પુલને ખુલ્લો મુકાયો હતો. બાદમાં ઝૂલતો પુલ છેલ્લા સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો અને અંદાજે બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થઈ ગયું હતું.
ત્યારબાદ નૂતન વર્ષ એટલે કે 26 ઓક્ટોબરના દિવસથી આ પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાંચ જ દિવસમાં પુલ દુર્ઘટનાગ્રસ્ત થતાં તેના રિપેરિંગ અને મેન્ટેનન્સના મામલે અનેક સવાલો ખડા થયા છે. ઝૂલતા પુલના એક છેડેથી બીજે છેડે જવા માટે પુખ્તવયની વ્યક્તિ માટે રૂ. 17 અને નાના બાળકો માટે રૂ. 15ની એન્ટ્રી ફી લેવાતી હતી. નવા વર્ષના દિવસોમાં રવિવારની રજાના દિવસે એક સામટા 500 જેટલા લોકો ઝુલતા પુલ પર એકઠા થઇ જતાં તેની ક્ષમતાની બહારનું વજન આવી જતાં પુલ તૂટ્યો હોવાનું હાલ કહેવાઇ રહ્યું છે.
એક પિતાએ ત્રણ પુત્રને કાંધ આપવી પડી
મોરબીના બૌદ્ધનગરમાં રહેતા મૂછડિયા પરિવારને રવિવાર ભારે આઘાત આપનારો નીવડ્યો હતો. જેમની કાંધે ચડીને પિતાએ જવાનું હોય એવા એક - બે નહીં, ત્રણ કંધોતરને પિતાએ અંતિમ વિદાય આપવી પડી હતી. મોરબીના વીસીપરામાં રહેતા રાજેશભાઈ મૂછડિયાના ત્રણ પુત્રો ચિરાગ, ધર્મેશ અને ચેતન રવિવારની રજા માણવા ઝૂલતા પુલ પહોંચ્યા હતા અને આ દુર્ઘટના બનતાં ત્રણેયના મૃત્યુ થયા હતા. બનાવની જાણ થતાં પિતા હોસ્પિટલે દોડી ગયા હતા અને પુત્રોને નિશ્ચેતન જોઇ આઘાતમાં સરી પડ્યા હતા. સોમવારે સવારે જ્યારે ત્રણેની દફનવિધિ કરવામાં આવી ત્યારે ભારે કરૂણ સ્થિતિ સર્જાઇ હતી અને કોણ કોને આશ્વાસન આપે તેવો શોકમય માહોલ બની ગયો હતો.
આખો પરિવાર નદીમાં ગરકાવ
માણેકવાડા ગામના સોની મહાજન ભાવેશ મનસુખભાઈ ભીંડી પત્ની મિતલબેન અને પોતાના વહાલસોયાં બે માસૂમ બાળકો ધ્રુવી (13), નિસર્ગ (8) સાથે ઘરેથી નીકળ્યા હતા. પુલ તૂટી પડતા પરિવારના ચારેય સભ્ય પણ નદીમાં ડૂબી ગયા હતા. મોડી રાત્રે પરિવારના મૃતદેહો મળી આવ્યા હતા. આખો પરિવાર નદીમાં ગરકાવ થઈ જતા ઘરે તાળુ મારવા પણ કોઈ ન બચ્ચું. દુર્ઘટના અંગે પાડોશીને જાણ થતા તેમણે મૃતકના પિતરાઈને જાણ કરી હતી.
સાંસદની બહેનના સાસરી પક્ષનાં 12નાં મોત
પુલ દુર્ઘટનામાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના જેઠ સુંદરજીભાઈની ચાર દીકરી, ત્રણ જમાઈ, પાંચ ભાણેજનાં પણ મોત નીપજ્યાં હતાં. જેમાં એકતાબેન જીવાણી, ધારાબેન અમૃતિયા (46), હરેશભાઈ અમૃતિયા (47), બે પુત્રી જેન્વી (19), ભૂમિ (17), દુર્ગાબેનની દીકરી કુંજલ સહિત 12 પરિવારજનો સમાવેશ થાય છે. કુંજલ માસી સાથે ગઈ હોવાથી માતાપિતા ગયા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter