આતંકીઓના આકાઓને છોડવામાં નહીં આવે: વડા પ્રધાન

Wednesday 06th March 2019 05:50 EST
 
 

જામનગરઃ એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથીએ શિવરાત્રીએ પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતું કે, આતંકીઓના આકાઓને છોડવામાં નહી આવે. મને નાનું કાર્ય ફાવતું જ નથી, કંઈ પણ કરવું તો મોટું જ કરવું. હમણાં જોયું ને? એર સ્ટ્રાઈક હોય કે ‘આયુષ્યમાન’ યોજના કે પછી નર્મદાની પાઈપલાઈનની લંબાઈ બધા જ વિશાળ પ્રોજેકટ છે. તેમણે વિપક્ષ પર પ્રહાર કરીને કહ્યું કે, એ લોકો મને ખતમ કરવા માટે એક થઈ રહ્યાં છે જયારે પૂરો દેશ આતંકવાદને ખતમ કરવા માટે એક બન્યો છે. તેમણે લોકોને પૂછયું કે, આતંકવાદનો રોગચાળો જવો જોઈએ કે નહીં? ધરમૂળથી ઉખેડવો જોઈએ કે નહીં? મૂળ બીમારી પાડોશમાં છે.
જામનગરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા વડા પ્રધાને કહ્યું કે, સેનાના પરાક્રમ ઉપર આખા દેશને ગર્વ છે, પરંતુ કેટલાક લોકો સેનાના દાવા સામે સવાલ કરી રહ્યાં છે. એર સ્ટ્રાઈક વખતે જો સેના પાસે રાફેલ હોત તો પાકિસ્તાનનું કોઈ બચ્યું ન હોત અને આપણુ કાંઈ ગયું ન હોત, આ વિધાન સાથે તેમણે ટકોર કરી કે કેટલાક લોકો સીધીસાદી વાતને સમજતા નથી. સાબુ વાપરો... સાબુ એટલે કે સામાન્ય બુદ્ધિ. કંઈ કરવું તો મોટું જ કરવું.
તેમણે કહ્યું કે, એર સ્ટ્રાઈકની જેમ તમે સરકારની યોજનાઓ જુઓ. આજે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા નર્મદાની ૭૦૦થી ૯૦૦ કિમીની પાઈપલાઈનો છે. તેમાં કાર અંદરથી પસાર થઈ શકે. આ જ રીતે અમેરિકા, કેનેડા, મેકિસકોની કુલ વસ્તી કરતાં વધુ લોકોને ભારતમાં ‘આયુષ્યમાન’ યોજનાનો લાભ મળવાનો છે. મોટી મોટી હોસ્પિટલોમાં દરેક લોકો બીમારી વખતે સારવાર લઈ શકશે અને આ કારણે નાના ગામોમાં પણ ૩૦૦૦ હોસ્પિટલ ખૂલશે. ગુજરાતમાં પાણી પ્રશ્ન માટે કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે કહ્યું કે સરદાર સરોવર ડેમમાં અડચણોના કારણે ચાલીસ વર્ષ સુધી પાણી માટે સરકારે મોટો ખર્ચ કરવો પડયો છે. અગાઉની સરકારની દૃષ્ટિ ટેન્કર સુધી સીમિત હતી. અમે પાઈપલાઈનો થકી છેક કચ્છ સુધી પાણી પહોચાડ્યું છે. ગુજરાતમાં બારમાસી નદી નથી, વરસાદ અપૂરતો રહે છે, પરંતુ અમારો સંકલ્પ દૃઢ છે એટલે સૌની યોજના, જલસંચય જેવા પ્રકલ્પો સાકાર થયા છે. નર્મદાનું પાણી ગુજરાત માટે પારસ છે. કિસાનોના પરિશ્રમમાં આ પારસ ભળે એટલે ધરતીમાંથી સોનું ઉગે છે. આ સાથે તેમણે કહ્યું કે, પાણીની યોજના માટે ઘણો ખર્ચ થાય છે એટલે ગુજરાતની જનતાને પાણી વેડફવાનો અધિકાર નથી.
જામનગરમાં દરિયાના ખારા પાણીને મીઠું કરતા રૂ. ૭૦૦ કરોડના ડિસ્ટીલેશન પ્લાન, ૭૦૦ બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, રણજીતસાગર, ન્યારી ડેમમાં નર્મદાના પાણી સહિતના પ્રકલ્પોનું વડા પ્રધાને લોકાર્પણ કર્યું હતું.
જામનગર-મુંબઈ વચ્ચે હમસફર એક્સ્પ્રેસ
નવી મંજૂર થયેલી ‘હમસફર એક્સપ્રેસ’ જામનગરથી મંગળ-ગુરુ-શનિવારે અને મુંબઈથી સોમ-બુધ-શુક્રવારે ઉપડશે. આ ટ્રેઈનના નંબર રર૯ર-અપ અને રર૯૩-ડાઉન અપાયા છે. તે જામનગરથી રાત્રે ૮.૦૦ પછી અને મુંબઈના બાંદ્રાથી રાત્રે ૧૦.૦૦ પછી ઉપડશે. આ ટ્રેઈનને મોદી, મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, ના. મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પ્રતીકાત્મક લીલીઝંડી આપી હતી. આ ટ્રેઈન જામનગર જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે મુંબઈનો સારો વિકલ્પ બની રહે તેવી ધારણા છે.
ભારત માતાની ત્રણ વખત જય
વડા પ્રધાને જામનગરમાં ત્રણ વખત ભારત માતા કી જય બોલાવી હતી. (૧) પરાક્રમી ભારત કે લિયે (ર) વિજયી ભારતી કે લિયે અને (૩) વીર જવાનો કે લિયે... એમ કહી તેમણે ભારત માતા કી જય બોલાવી હતી.

રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાનો વિધિવત ભાજપ પ્રવેશ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યની બે દિવસીય મુલાકાત માટે આગમન થાય તેની પૂર્વ સંધ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડા પ્રધાનથી પ્રભાવિત થઈને પોતે ભાજપમાં જોડાયા હોવાનું પણ રિવાબાએ જણાવ્યું હતું.
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં રવિવારે સાંજે પ્રધાન આર. સી. ફળદુ, સાંસદ પૂનમબહેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા અને ધારાસભ્ય હકુભા જાડેજાની હાજરીમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો.
શહેર ભાજપના હોદ્દેદારોએ તેમને ખેસ પહેરાવી આવકાર્યાં હતાં. રિવાબાએ જણાવ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપ સુધીની યાત્રાની વૈચારિક પદ્ધતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું. કોઈ રાજકીય અપેક્ષા ન હોવાનું કહીને માત્ર કાર્યકર તરીકે જોડાઈ રહ્યા હોવાનું કહ્યું હતું.
થોડા સમય પહેલા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા તેમના પત્ની રિવાબા સાથે વડા પ્રધાનની મુલાકાતે ગયા હતા. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટકોર સ્વરૂપે સૂચન કરતા કહ્યું હતું કે, રાજકારણમાં સામરા માણસોની જરૂર છે એટલે વિચારો, બસ આ જ ટકોરથી રાજકારણમાં જોડાવાની પ્રેરણા મળી તેમ રિવાબાએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter