આશરે ૧૨ લાખ ભક્તો દ્વારા ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરાઈ

Wednesday 28th November 2018 05:33 EST
 
 

જૂનાગઢઃ ગિરનાર પર્વતના જંગલમાં યોજાતી પરિક્રમા આ વખતે ૧૬મીએથી જ વહેલી શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેની વિધિવત શરૂઆત ૧૯મીની મધ્ય રાત્રિથી થઈ હતી. આ વખતે પરિક્રમામાં આશરે ૧૨ ભક્તો જોડાયા હતા. પહેલા જ દિવસે અંદાજે પાંચ લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. આ યાત્રામાં કુલ ૬ યાત્રિકોનાં કુદરતી મોત થયા હતા અને અનેક લોકો બીમાર પડ્યા હતા. પોલીસ દ્વારા સીસીટીવીથી સમગ્ર પરિક્રમાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હતું.
લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલા ઇટવા દરવાજાથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ ૩૬ કિલોમીટર લાંબો હોય છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. પરિક્રમામાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જે કુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. ૩૬ કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે. જેમાં ઝીણાબાવાની મઢી, માળવેલા, સૂરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે પરિક્રમાર્થીઓ ભવનાથ પહોંચે છે. જ્યાં આ કઠિન અને જોખમી પરિક્રમા પૂર્ણ થાય છે.
લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટોએ પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે રસ્તા પર અન્નક્ષેત્રોનાં પંડાલો ઊભા કર્યાં હોય છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પિરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાં એક નહીં અનેક અન્ન ક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પિરસતા જોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક-ઠેકાણે ભજન મંડળીઓ, રાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે.
આ ઉપરાંત પરિક્રમાના દરેક પડાવ પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટે કામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે. લોકો માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢ સુધી પહોંચી શકાય છે.
જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા આ વખતે એસ. ટી. વિભાગને ફળી છે. ગત ૨૦ તારીખે ભારે ટ્રાફિક રહ્યો હતો. જેને લીધે એસટી વિભાગને એક જ દિવસમાં રૂ. ૮૭.૫૪ લાખની વિક્રમી આવક થઈ હતી. પરિક્રમામાં ૧૭થી ૨૧ ડિસેમ્બર દરમિયાન જૂનાગઢ એસટી વિભાગને રૂ. ૧.૧૮ કરોડથી વધુની આવક થઇ હતી. એસ. ટી. દ્વારા ૮૧૨ વાહન મારફતે ૪૩૪૨ ટ્રીપ થઈ હતી.
આ ટ્રીપમાં ૨.૮૦ લાખ કિમીનું સંચાલન કરાયું હતું. પરિક્રમા દરમિયાન વધારાની મૂકવામાં આવેલી એસટી બસોમાં ૨ લાખ ૩૬ હજાર ૭૩૬ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter