આશરે ૫.૫૦ લાખ ભક્તોએ ગિરનારની લીલી પરિક્રમા કરી

Wednesday 13th November 2019 05:49 EST
 
 

જૂનાગઢઃ આ વર્ષે પણ કારતક સુદ અગિયારસે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અગિયારસે, ૮મી નવેમ્બરે પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ જૂનાગઢ, તળેટી અને આસપાસના વિસ્તારોમાં ભાવિકોની ભીડ વધી હતી. તેથી એક દિવસ પહેલેથી કારતક સુદ દસમની મધ્ય રાત્રિથી જ ભાવિકોએ પરિક્રમાનો પ્રારંભ કરી દીધો હતો. પરિક્રમા વહેલી શરૂ થઈ હોવાથી ૧૦મી નવેમ્બર આસપાસ મોટાભાગના યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી અને પરત ફરી ગયા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, ૧૦મી નવેમ્બરે જ ૫૫૧૮૪૪ ભક્તોએ નળપાણીની ઘોડી વટાવીને પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી.
પરિક્રમાના દિવસો દરમિયાન ૬૩૭૧૦ ભક્તો ગિરનાર પર્વત ચઢ્યા હોવાના અહેવાલ છે. પરિક્રમા દરમિયાન કુલ ૩ યાત્રીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું હતું. ૯મી નવેમ્બરે ૨ યાત્રીઓનાં મોત થયા હતા. ૧૦મી નવેમ્બરે એક યાત્રીનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદથી પરિક્રમા કરવા આવેલા જીજ્ઞેશભાઇ ઠાકર (ઉં ૪૬)નું નળપાણીની ઘોડી પાસે ૧૦મીએ મોત થયું હતું.
કુદરતી સંકટના લીધે ભાવિકોમાં ઘટાડો
દર વર્ષે પરિક્રમા માટે આવતા ભાવિકોની સંખ્યાનો આંકડો ૧૦ લાખથી વધુનો પહોંચે છે. જયારે ચાલુ વર્ષે ખેતીના લંબાયેલા કામ, ‘મહા’ વાવાઝોડાની સંભાવના અને વરસાદના કારણે ભાવિકોની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યની એસટીને રૂ. ૩૩.૬૫ લાખની આવક થઈ
જૂનાગઢ એસટી ડિવિઝને લીલી પરિક્રમાને વધારાની બસો દોડાવી હતી. દરમિયાન લીલી પરિક્રમાને લઇને માત્ર ૪ દિવસમાં એસટીને રૂ. ૩૩.૬૫ લાખની આવક થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ એસટી ડિવિઝનના વિભાગીય પરિવહન અધિકારી આર.ડી. પિલવાઇકરે જણાવ્યું હતું કે, ડિવિઝનલ કન્ટ્રોલર જી. ઓ. શાહના માર્ગદર્શનમાં વધારાની એસટી બસ ચલાવવામાં આવી હતી. આ માટે જૂનાગઢના ૯ ડેપોમાંથી બસ ચલાવવામાં આવી હતી. દરમિયાન માત્ર ૪ જ દિવસમાં એસટીને રૂ. ૩૩૬૫૭૮૩ની આવક થઇ છે. એસટી વિભાગે ૩૮૫ વાહનોની ૧૩૩૦ ટ્રીપ કરી ૬૦૩૮૪ મુસાફરોને બસ સેવા પૂરી પાડી હતી. ખાસ કરીને બસ સ્ટેન્ડથી લઇને ભવનાથ સુધી ૫૦ મિની બસ તેમજ ૨૦૦ મોટી બસ ચલાવવામાં આવી હતી. પરિક્રમા પૂર્ણ થાય ત્યાં સુધી એસટી બસ સેવા ચાલુ રાખવામાં આવવાની જાહેરાત કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter