ઈંગ્લેન્ડમાં ઉંચા પદ-પ્રતિષ્ઠા-નોકરી છોડી પત્ની ભેંસ દોહે છે ને ટુરિઝમ મેનેજર પતિ હાઈજેનિક ખેતી કરે છે!

Wednesday 20th March 2019 06:48 EDT
 
 

પોરબંદરઃ આજના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધુ મોહ હોય છે ત્યારે પોરબંદરના બેરણ ગામનું મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઈફાઈ લાઈફ સ્ટાઈલ છોડીને પોતાના વતનમાં સ્થાયી થયું છે. તેમના જણાવ્યા મુજબ ત્યાંની દોડધામની જિંદગી જંકફૂડ ખાઈને જીવવા કરતાં અહીં કુદરતી વાતાવરણમાં અને પૌષ્ટિક ખોરાક ખાઈ જિંદગી જીવવી વધુ સારી છે. આ દંપતીનો પુત્ર ઓમ પણ વાડી-ખેતરોમાં દરરોજ ૪થી ૫ કિ.મી. દોડાદોડી કરે છે. ઘરની ગાય તેમજ ભેંસોના ચોખ્ખા દૂધ, દહીં, છાશ, ઘી તેમજ તાજાં શાકભાજી અને ફળો ખાઈ પરિવાર ખૂબ જ હેલ્ધી રહે છે.

ઈંગ્લેન્ડમાં નોકરી છોડી

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહી ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઈ વિરમભાઈ ખુંટી અને તેમના યુવાન પત્ની ભારતીબહેન બંને ઈંગ્લેન્ડમાં સારી પોસ્ટ ઉપર હતા. ભારતીબહેને પોરબંદરમાં ૧૨ સાયન્સનો અભ્યાસ પૂરો કરી રાજકોટમાં એર પોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો બે વર્ષનો કોર્ષ કર્યો હતો. બાદમાં દંપતી ૨૦૧૦માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ બીએસ.સી.ની ડિગ્રી સાથે ઈન્ટરનેશનલ ટુરિઝમ મેનેજમેન્ટમાં પણ જોડાયા તા. જ્યારે તેમના પત્નીએ હિથ્રો એર પોર્ટ પર બ્રિટિશ એરવેઝમાં એર હોસ્ટેસનો કોર્સ કર્યો હતો.

પુત્રજન્મ બાદ વતન ભણી

આ દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો બાદ તેઓને વિચાર આવ્યો કે અહીં ઈંગ્લેન્ડ કરતાં પણ આપણા ગામમાં ખેતીકામ કરીએ અને ૨૦૧૮માં બેરણ ગામે આવીને ખેતીકામ કરવા લાગ્યા. ભારતીબહેન ખેતીકામથી અજાણ હોવા છતાં બધું કામ શીખી લીધું અને હવે ૬ ભેંસોને બે ટાઈમ દોહી લે. રસોઈ કામ કરે. ખેતીકામ કરે અને નવરાશ મળે ત્યારે ઘોડેસવારી પણ કરે.
આ દંપતીએ જણાવ્યું હતું કે અહીં અમારા વૃદ્ધ માતા-પિતાની સેવા કરીએ અને ખેતી કામ કરીએ અને ખેતીકામના વીડિયો યુટ્યૂબમાં મૂકીએ ત્યારે ઘણા યુવાનો વિદેશમાંથી પણ અહીં પશુપાલન અને ખેતી માટે આકર્ષાયા છે. જેમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ વગેરે ગામના યુવાનો અત્યારે વિદેશથી આવીને ખેતીકામમાં લાગી ગયા છે. હજુ ઘણા યુવાનો આવવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter