ઉના ગીરમાં આગથી વન્ય પ્રાણીઓને ભય

Wednesday 12th April 2017 09:05 EDT
 

ઉનાઃ તાલાળા પાસેનાં ભાલછેલ ગીર વિસ્તારમાં નવમીએ આગ ફાટી નીકળ્યાને કલાકો જ વીત્યા ત્યાં દસમીએ ઉના પાસેનાં જશાધાર રેન્જનાં જંગલમાં ભયાવહ આગ ફાટી નીકળી હતી. જેમાં વન્ય પ્રાણીઓનો પણ ભોગ લેવાયો હોવાની શંકા છે. ઉના - ગીર વન વિભાગની જશાધાર રેન્જ હેઠળ આવેલા સણોસરી, જૂના ઉગલા અને નવા ઉગલાનાં જંગલમાં સોમવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી. જે પવનનાં કારણે ગણતરીની મિનિટોમાં જ દૂર દૂર સુધી પ્રસરી ગઈ હતી. ધૂમાળાનાં ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતાં. અહીં વન્ય પ્રાણીઓનો સારો એવો વસવાટ છે તેથી પ્રાણીઓને પણ ઈજા તથા જાનહાનિનાં એંધાણ છે.
૧૧ હેકટર જંગલમાં આગ
નોંધનીય છે કે તાલાળા ગીરથી ૨૦થી ૨૫ કિ.મી. દૂર સાઢબેડા-દેવળળિયા સફારી પાર્ક રોડ ઉપર નવમી એપ્રિલે અકસ્માતે આગ લાગતાં અંદાજે ૧૧ હેકટર વન વિસ્તારમાં આગથી નુકસાન થયું હતું. જોકે આગ લાગ્યાના સમાચાર મળતાં જ ગીર દેવળિયા રેન્જનો વન વિભાગનો સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ થઈ હતી. આ કામગીરીમાં સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓ પણ જોડાતાં ગણતરીના સમયમાં જ આગને કાબૂમાં લેવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter