ઉનાઃ વાજડી ગામના રમેશભાઈ નંદવાણા અને તેમના પત્ની પ્રજ્ઞાબહેન તેમનાં ૪ બાળકોમાંથી ત્રણ બાળકો માટે વજનને લઈને ચિંતિત છે. આ દંપતીનાં બાળકો યોગીતા (૬), વજન ૩૬ કિલો, અમિષા (૫) વજન ૪૭ કિલો અને હર્ષ (૨.૫) વજન ૧૬ કિલો અંગે માર્ચ-૨૦૧૫માં અખબારોમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે આ બાળકોની અમદાવાદમાં સારવારની વ્યવસ્થા હતી. બાળરોગ નિષ્ણાતની સારવાર અને ડાયેટિશિયનના પ્રયાસો પછી ત્રણેય બાળકોનાં વજનમાં ૨થી ૪ કિલો ઘટાડો નોંધાયો હતો. આ બાળકોના લોહીના રિપોર્ટ વિદેશથી આવતાં તેમાં જીનેટીક ડિસઓર્ડર દર્શાવાયો હતી. એ પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ત્રણેયની સારવાર ચાલુ હતી, પણ રમેશભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ પરિવાર સહિત ગામમાં મજૂરી માટે આવી ગયા. જોકે તબીબોએ જણાવ્યા મુજબ જ તેઓ બાળકોને ખોરાક આપતા હતા છતાં થોડા જ સમયમાં આ બાળકોના વજન ૬થી ૮ કિલો વધી ગયાં છે.
વળી, ગામમાં તબીબો રૂટિન ચેકઅપ માટે આવતા નથી. આંગણવાડીની સંચાલિકાએ પણ આવવાનું બંધ કર્યું છે. અખબારી અહેવાલોના પગલે લોકો દ્વારા સહાય મળતી હતી તે પણ બંધ થઈ જવા પામી છે અને આ બાળકો પોતાનું જ વજન ઉપાડી શકતા નથી. એમાંય તેમનું વજન ફરી વધવા લાગ્યું છ. તેથી દંપતીને વધુ ચિંતા સતાવી રહી છે.