ઉપલેટામાં ગાંધી પ્રતિમાનો એક હાથ કોઈએ કાપ્યો

Friday 05th June 2015 05:45 EDT
 

રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમાનો એક હાથ કોઇએ કાપી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. નાગરિકોએ આવું કૃત્ય કરનાર અસામાજિક તત્ત્વો સામે પોલીસ કડક પલણ અપનાવે તેવી માંગણી કરી છે. અજાણ્યા ટીખળખોરોએ મોડી રાત્રે આ કૃત્ય કર્યું હતું. આ ઉપરાંત રાજમાર્ગ ગણાતા ભાદર રોડ ઉપર દુકાનોનાં બોર્ડ ઉપર લગાવેલી લાઇટો પણ ફોડી નાખી છે.

જૂનાગઢના નરસિંહ તળાવને ઊંડું કરવાનું શરૂઃ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવને ઊંડું કરવાની કામગીરી અંતે શરૂ થઇ છે. પ્રાચીન કાળમાં જૂનાગઢમાં લોકો માટે પીવાનાં પાણીની કોઈ સુવિધા ન હતી ત્યારે ૧૭મી સદીમાં આ તળાવ જૂનાગઢના સુબા સરદારખાને ખોદાવ્યું હતું અને તેનું જૂનું નામ સરદાર તળાવ છે. આ તળાવ દર ચોમાસામાં છલકાતું હોવાથી તેમાં પાણીનો સંગ્રહ પણ થઇ શકતો નથી, પરંતુ હવે વર્ષો બાદ પ્રજાની માગણીને પગલે આ તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ થતા ચોમાસામાં જ પાણીનો વધુ સંગ્રહ થઇ શકશે. આ તળાવ ઊંડું થવાથી નગરજનોની પીવાના પાણીની સમસ્યા હળવી થશે. તળાવમાં હસ્નાપુર ડેમનું પાણી લાવવાની વાતો પણ ચાલે છે. આ તળાવ બારેય મહિના પાણીથી ભરેલું રહે તો આસપાસના વિસ્તારો તેમ જ એસ.ટી.બસ સ્ટેશન આસપાસની સોસાયટીઓના પાણીના તળ ઉંચા આવે તેમ છે. ખાસ કરીને તેનો ફાયદો, ઉનાળાના દિવસોમાં થઇ શકે તેમ છે.

પોરબંદરના ડી. ડી. વૈશ્નવનું અવસાનઃ પોરબંદરમાં જૂની પેઢીના શિક્ષણશાસ્ત્રી, જાણીતા પર્યાવરણપ્રેમી દિનકરલાલ ધીરજલાલ વૈશ્નવ (ડી. ડી. વૈશ્નવ)નું ૪ જૂને અવસાન થતાં સમગ્ર નાગર જ્ઞાતિ સહિત શહેરના શિક્ષણશાસ્ત્રીઓ, આગેવાનો અને પરિજનોમાં શોક ફેલાયો છે. ૧૦૨ વર્ષની વયે તંદુરસ્તી જાળવી શકનાર ડી. ડી. વૈશ્વવે શિક્ષણ ક્ષેત્રે આજીવન ઉમદા ફરજ બજાવી હતી. રાજાશાહીના વખતથી જ તેઓ હાઈસ્કૂલના શિક્ષક તરીકે જોડાયા હતા. તેમની સ્મશાનયાત્રામાં નગરજનો જોડાયા હતા. તેમના પુત્રો સ્વ. મહેશભાઈ, મુનીન્દ્રભાઈ (મધુભાઈ), નિશીકાંતભાઈ ઉપરાંત દીકરીઓ તરલાબહેન, માયાબહેન, શિરીષભાઈ દેસાઈ, ચારુબહેન અને રક્ષાબહેન કિરીટભાઈ માંકડ અને ઉત્કર્ષ (પૌત્ર) પરિવાર ધરાવે છે.

વિઠ્ઠલ રાદડિયાની તબિયતમાં સુધારોઃ પોરબંદરના સાંસદ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયા પર અમેરિકાના જ્યોર્જિયાના સવાના શહેરની કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે મોઢાના ભાગની સફળ સર્જરી કરવામાં આવી છે. તેમની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમને આઈ.સી.યુમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આવતા અઠવાડિયે કદાચ હોસ્પિટલમાંથી રજા પણ અપાશે. તેમની સાથે અત્યારે તેમના પ્રધાન પુત્ર જયેશ રાદડિયા અને બીજા નજીકના સમર્થકો પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter