એરક્રાફટ કરિયર આઈએનએસ વિરાટ અલંગમાં ભંગાશેઃ ૨૬ કરોડમાં ખરીદાયું

Tuesday 24th December 2019 05:15 EST
 
 

ભાવનગર: સમગ્ર વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી સેવામાં રહેલા આઇએનએસ વિરાટને ભાંગવા માટે અલંગ શિપબ્રિકિંગ કંપની શ્રીરામ શિપિંગ દ્વારા ઓનલાઇન હરાજીમાં ખરીદવામાં આવ્યું છે. અલંગ શિપબ્રેકિંગ યોર્ડના પ્લોટ નં. ૮૧ના માલિક મુકેશભાઇ પટેલ (શ્રી રામ શિપિંગ) દ્વારા ઓનલાઇન હરાજીમાં ભારતીય નેવીનું મહત્ત્વપૂર્ણ યુદ્ધ જહાજ રૂ. ૨૬ કરોડ વત્તા ૧૮ ટકા જીએસટી વત્તા ૨.૭૫ ટકા કસ્ટમ્સ ડ્યૂટી ચૂકવવાની સાથે ખરીદાયું છે હાલમાં આ જહાજ મુંબઇમાં રખાયું છે અને ટૂંક સમયમાં સરકારી પ્રક્રિયાઓ બાદ અલંગમાં તૂટવા માટે ટગ દ્વારા ખેંચીને લવાશે.
આ અગાઉ આઇએનએસ વિક્રાંત મુંબઇમાં ભંગાવવામાં આવ્યું હતું. સેન્ટર કલાસમાં એરક્રાફ્ટ કેરિયર ૧૯૫૯માં બ્રિટિશની રોયલ નેવી માટે બનાવાયું હતું અને તેનું નામ તે સમયે ‘એચએમએસ હર્મેસ’ રખાયું હતું. લાંબા સમય સુધી રોયલ નેવીમાં સેવારત રહ્યા બાદ આ જહાજને બ્રિટનમાંથી ૧૯૮૭માં સેવાનિવૃત્ત કરાયું હતું. બ્રિટન પાસેથી ભારતીય નેવી દ્વારા ૧૯૮૭માં તે ખરીદાયું હતું. તેને સમગ્ર વિશ્વનું સૌથી જૂનું એરક્રાફ્ટ કેરિયર ગણાવાઈ રહ્યું છે. ૬ઠ્ઠી માર્ચ ૨૦૧૭ના રોજ તે ભારતીય નેવીમાંથી નિવૃત્ત કરાયું હતું.
દરમિયાન આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા આ જહાજને હોટલ માટે મ્યુઝિયમમાં તબદીલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, પરંતુ ૧લી જુલાઇ ૨૦૧૯ના રોજ મરામત અને નિભાવ ખર્ચ સહિતની આર્થિક બાબતો અને જાહેર જનતાની સુરક્ષાર્થે મ્યુઝિયમ-હોટલનો પ્રસ્તાવ પડતો મુકાયો હતો. વિરાટ પર એક સમયે ૭૫૦ નેવીના જવાનો તૈનાત કરાયા હતા. ઉપરાંત ૪ એલસીવીપી લેન્ડિંગ ક્રાફ્ટ રખાયા હતા. યુદ્ધની સ્થિતિમાં આ જહાજ ૨૬ કોમ્બેટ એરક્રાફ્ટ સામેલ કરવાની ક્ષમતા ધરાવતું નથી.

૧૯૮૨ ફોકલેન્ડ વોર

બ્રિટિશ રોયલ નેવીનું મુખ્ય યુદ્ધ જહાજ ૧૯૫૯માં બનાવ્યું હતું. ૧૯૮૨ની ફોકલેન્ડ વોર દરમિયાન રોયલ નેવી માટે તે મુખ્ય હથિયાર સાબિત થયું હતું અને દુશ્મન દેશને પરાસ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. જોકે ભારતીય નેવીમાં ૧૯૮૭માં સામેલ કરાયા બાદ તેના ૩૦ વર્ષના કાર્યકાળમાં કોઇ દરિયાઇ યુદ્ધ ન થવાથી તેનો યુદ્ધ માટે ઉપયોગ કરાયો નહોતો.

સ્વ. રાજીવ ગાંધીની સફર

વર્ષ ૧૯૮૮માં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેઓના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે લક્ષદ્વીપની સફર ખેડી હતી અને અંગત ઉપયોગ માટે આઇએનએસ વિરાટનો ઉપયોગ કરાયો હોવાની બાબત લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલી દરમિયાન ઉચ્ચારતા તુરત જ નેવીના અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સ્વ. રાજીવ ગાંધીની એ સફર સત્તાવાર હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter