ઐતિહાસિક માધવપુરની કાયાપલટ થશેઃ રૂકમણિજી માતાનું નવું ભવ્ય મંદિર બનશે

Wednesday 24th April 2024 05:23 EDT
 
 

અમદાવાદ: મહાત્મા ગાંધીના જન્મસ્થાન પોરબંદરથી આશરે 60 કિમી દૂર દરિયાકિનારે આવેલા માધવપુર ગામની આગવી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીના અહીં લગ્ન થયા હતા. દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. રાજ્ય સરકારે હવે આ માધવપુરને બે તબક્કામાં વિકસાવવા નિર્ણય કર્યો છે.
યોજના અનુસાર, પ્રથમ તબક્કે રૂ. 42.43 કરોડના ખર્ચે માધવપુરમાં બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ખાસ કરીને માતા રૂકમણિના મંદિરનું સોમપુરા શાસ્ત્ર અનુસાર ધ્રાંગધ્રાના પથ્થરની કલાત્મક કોતરણી કામ સાથે નવા મંદિરનું નિર્માણ થશે. અત્યાર સુધી રૂકમણિજીની પ્રતિમા મકાન આકારના જર્જરીત મંદિરમાં મૂકાયેલી હતી, જેને હવે ભવ્ય મંદિરનો આકાર અપાશે.
સાથે સાથે જ શ્રી મહાપ્રભુજીની બેઠક, ચોરી-માયરાની જગ્યા, માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલપમેન્ટ, બ્રહ્મ કુંડ અને મેળા ગ્રાઉન્ડને આકર્ષક બનાવામાં આવશે. લોકકથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે રાજા ભિષ્મકના પુત્રી રૂક્ષમણીનું હાલના અરૂણાચલ પ્રદેશમાંથી હરણ કરી માધવપુર લાવ્યા હતા અને તેમની સાથે લગ્ન કર્યા હતા. દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસથી તેરસ સુધી એટલે કે પાંચ દિવસ અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.
17 એપ્રિલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માધવપુરની મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રીકૃષ્ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા લગ્નોત્સવ પ્રસંગમાં ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે, માધવુપરમાં પુરાતત્વ હસ્તક આવેલ શ્રી માધવરાયજી મંદિર પાસે હાલ પુજાતા માધવરાયજી મંદિરના જિર્ણોદ્ધાર અને તે વિસ્તારમાં જરૂરી સવલતો ઊભી કરવા માટેના કામો બીજા તબક્કામાં હાથ પર લેવાશે.
પ્રથમ તબક્કાનું કાર્ય ઓક્ટોબર મહિના સુધીમાં પુરું કરી દેવામાં આવશે. માધવપુર સાથે શ્રીકૃષ્ણ અને રૂક્ષમણીજીનો ઈતિહાસ જોડાયેલો હોવાથી આ સ્થળને યાત્રાધામ તરીકે વિકસાવાશે. દેશ અને દુનિયામાંથી હાલ લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો દર્શન માટે અહીં આવે છે.
900 મીટર લાંબો - 55 ફૂટ પહોળો બીચ વોક-વે
મુંબઈ ચોપાટીની જેમ માધવપુર દરિયાકિનારે 900 મીટર જેટલો લાંબો બીચ વોક-વે તૈયાર કરાશે. દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ બીચ વોક-વેનો આનંદ ઉઠાવી શકશે. કાચબા ઉછેર કેન્દ્ર અને માધવરાયજી મંદિરને જોડતો આ વોક-વે બનશે. જેની સરેરાશ પહોળાઈ 55 ફૂટ જેટલી હશે. અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા, હેંગ આઉટ ઝોન, બેસવા માટે બેન્ચિસ વગેરેની સુવિધા હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter