કાઠિયાવાડમાં કોનું ‘રજવાડું’? બાહુબલીઓનો જંગ નક્કી કરશે આધિપત્ય

Wednesday 30th November 2022 10:04 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનો દબદબો પ્રારંભથી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાતાં જ ફરી એક વખત રાજકારણના બાહુબલીઓ મેદાનમાં આવી ગયા છે. આ પ્રદેશમાં પહેલા તબક્કામાં પહેલી ડિસેમ્બરે મતદાન થશે. સૌરાષ્ટ્રની 16 બેઠકો એવી છે જ્યાં કાંટે કી ટક્કર થશે. ચૂંટણની ખરો રોમાંચ પણ જોવા મળશે. પળ પળની ઉત્તેજના પણ અનુભવાશે અને પોતાને ખેરખાં ગણાવતા રાજકારણીઓના પાણી પણ મપાઈ જશે.

સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો એવી છે, જે દરેક ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. ગોંડલ, કુતિયાણા, કોડિનાર અને ભાવનગર (ગ્રામ્ય) આ બેઠકો પર હંમેશાં બાહુબલીઓનું વર્ચસ રહ્યું છે.
• કુતિયાણાઃ આ ચર્ચાસ્પદ બેઠકની વાત કરીએ તો 2012 અને 2017માં એનસીપીની ટિકિટ પરથી ચૂંટણી લડીને કાંધલ જાડેજા જીત્યા છે. આ વખતે એનસીપીએ તેમને ટિકિટ ન આપતા તેમણે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. તેમની સામે ભાજપના ઢેલીબેન ઓડેદરા અને કોંગ્રેસના નાથા ઓડેદરા છે, પરંતુ ખરી લડાઈ કાંધલ જાડેજા અને ઢેલીબેન વચ્ચેની છે.
• ગોંડલઃ અહીં 2002 અને 2012માં ભાજપમાંથી જયરાજસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. તો 2017માં તેમનાં પત્ની ગીતાબા જીત્યાં હતાં. ભાજપે આ વખતે ફરી તેમને જ ટિકિટ આપી છે. તેની સામે એક સમયના દિગ્ગજ નેતા ગોવિંદભાઇ દેસાઈના પુત્ર યતિષ દેસાઈ કોંગ્રેસમાંથી મેદાનમાં છે. તો આમ આદમી પાર્ટીમાંથી નિમિષા ખૂંટ છે, જેઓ લેઉવા પટેલ છે. તે કેટલા મત લઈ જાય છે તેના પર પણ બધાની નજર છે. આ બેઠક હંમેશાં મસલ્સ પાવર પર લડાતી આવી છે. આ વખતે પણ ગોંડલની ચૂંટણી લોહિયાળ બને તેવા એંધાણ હતા, પરંતુ હાલ તો બધું શમી ગયું હોય તેવું લાગે છે.
• રાજુલાઃ રાજુલા બેઠક પર ભાજપ તરફથી પરસોતમ સોલંકીના સગાભાઈ હીરા સોલંકી ઉમેદવાર છે. તો સામે સીટિંગ કોંગી ધારાસભ્ય અમરીશ ડેર છે. બન્ને સ્થાનિક કક્ષાએ એકબીજાને ભરી પીવે એવા સક્ષમ ગણાય છે. ઘર્ષણની પૂરેપૂરી શક્યતાઓ સાથે આ ચૂંટણી યોજાશે.
• સાવરકુંડલાઃ સાવરકુંડલામાં ભાજપે અમદાવાદથી મહેશ કસવાલાને લડવા મોકલ્યા છે. તેની સામે વર્તમાન કોંગી ધારાસભ્ય પ્રતાપ દૂધાત છે, જેઓ લડાયક નેતા તરીકે નામના ધરાવે છે. બન્ને વચ્ચે કાંટે કી ટક્કર રહેશે એ નક્કી.
• પોરબંદરઃ એક સમયે ગુંડાગીરી જેમની ઓળખ હતી તે પોરબંદરમાં બે જૂના બળિયા નેતાઓ આમનેસામને છે. ભાજપમાંથી સીટિંગ ધારાસભ્ય બાબુ બોખીરિયા અને કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા મેદાનમાં છે. બોખીરિયા પૂર્વ મંત્રી છે તો પીઢ કોંગ્રેસી નેતા મોઢવાડિયા પૂર્વ વિપક્ષી નેતા છે. બન્ને મેર સમાજમાંથી આવે છે. પોરબંદર શહેરને અને ક્રાઇમને ભરપૂર લેણાદેણી છે, જેના કારણે પોરબંદરને ઘટનાઓનું શહેર પણ કહેવાય છે. આ વખતે મતદારો કોને પસંદ કરે છે તે જોવું રહ્યું.
• અમરેલીઃ અમરેલીમાં પૂર્વ વિપક્ષી નેતા કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપે તદ્દન નવો ચહેરો કૌશિક વેકરિયાને ઉતાર્યા છે. કોંગ્રેસ સામે ભાજપના પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી જેવા દિગ્ગજ નેતાઓનો પનો ટૂંકો પડયો હોવાથી ભાજપે નવા ચહેરા સાથે નવેસરથી લડાઈ માંડી છે.
• ધારીઃ ધારી બેઠક બગાવત માટે વિખ્યાત રહી છે. એક સમયે જીપીપીમાંથી નલિન કોટડિયા જીતેલા હતા. તો કોંગ્રેસમાંથી જે.વી. કાકડિયા જીત્યા હતા. જોકે આ વખતે કાકડિયા ભાજપના ઉમેદવાર છે. તેની સામે કીર્તિ બોરીસાગર કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
• જસદણઃ જસદણ બેઠક પર ગુરુ-ચેલાની લડાઈ છે એમ કહી શકાય. ભાજપમાંથી ગુરુ કુંવરજી બાવળિયા છે. જેના એક સમયના શિષ્ય ભોળા ગોહિલ કોંગ્રેસમાંથી ટક્કર આપી રહ્યાં છે. બન્ને કોળી સમાજમાંથી આવે છે. બાવળિયા હાલમાં ધારાસભ્ય છે તો ગોહિલ પણ એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા છે. જસદણ બેઠકની રમતમાં પડદા પાછળના ખેલાડી ભરત બોઘરા પણ છે. તેઓ કેવો ખેલ પાડે છે તેના પર ભાજપ અને કોંગ્રેસની હાર-જીતનો મદાર છે.
• કોડિનારઃ કોડિનાર બેઠક પર વર્ષોથી ભાજપના દીનુ બોઘા સોલંકીનો દબદબો રહ્યો છે. સ્થાનિક કક્ષાએ તેમને દબંગ નેતા ગણવામાં આવે છે, પરંતુ અમિત જેઠવા મર્ડર કેસમાં તેમને સજા થતાં જેલવાસ ભોગવ્યા બાદ રાજકારણથી અળગા હતા. જોકે આ વખતે તેમણે તેમના જ વિશ્વાસુ ડો. પ્રદ્યુમ્ન વાજાને ટિકિટ અપાવી છે. તો કોંગ્રેસે તેમને માત આપવા મહેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી હોવાથી પાર્ટીએ ફરી દિનુ સોલંકીને સક્રિય કર્યા છે. આ બેઠક હંમેશાં ટકરાવવાળી બેઠક ગણાય છે. કારડિયા રાજપૂત સમાજનો દબદબો હોવાના લીધે તેની અસર ચૂંટણીમાં દેખાતી જ આવી છે.

• વિસાવદરઃ તાજેતરમાં કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ભગવો ધારણ કરનાર કિસાન અગ્રણી હર્ષદ રીબડિયા વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે. તેમની સામે કોંગ્રેસમાંથી કરશન વાડોદરિયા છે. રીબડિયા કોંગ્રેસમાં હતા ત્યારે ખેડૂત નેતા તરીકે તેમણે તેમની છાપ બનાવી હતી. હવે પક્ષપલટાનો રોષ કેટલો વેઠવો પડે છે અને ખેડૂત નેતા તરીકેની છાપ બરકરાર રહે છે કે કેમ તે પરિણામના દિવસે ખબર પડશે.
• ભાવનગર (ગ્રામ્ય)ઃ ભાવનગર (ગ્રામ્ય) બેઠક પર ભાજપે આ વખતે ફરી પરસોતમ સોલંકીને ટિકિટ આપી છે. તેમની ટક્કર કોંગ્રેસના રેવંતસિંહ ગોહિલ સામે થશે. નાદુરસ્ત તબિયત છતાં પરસોતમ સોલંકીને ભાજપે ટિકિટ આપવી પડી છે અને જેટલી વખત ચૂંટાયા છે લગભગ દરેક વખતે તેમને મંત્રીપદ પણ મળ્યું છે. રેવંતસિંહ તેમને કેવી રીતે ટક્કર આપશે એ તો સમય જ કહેશે.

• ખંભાળિયાઃ ખંભાળિયા બેઠક પર આહીર સમાજનું પ્રભુત્વ હોવાથી ભાજપના ઉમેદવાર મૂળુ બેરા અને કોંગ્રેસના વિક્રમ માડમ એ બંને આહીર સમાજના અગ્રણીઓ છે અને બન્ને મજબૂત નેતાઓ છે. અહીં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર એવા ઈસુદાન ગઢવી પણ ચૂંટણી લડી રહ્યા છે.
• મહુવાઃ મહુવામાં કોંગ્રેસે પ્રામાણિક નેતાની છાપ ધરાવતા કનુ કલસરિયાને જંગમાં ઉતાર્યા છે. તેની સામે ભાજપમાંથી શિવા ગોહિલ ઉમેદવાર છે. શિવાભાઇ સામે પક્ષના કાર્યકરોમાં જ ભારોભાર અસંતોષ છે. ચૂંટણી સમયે કોના વિજયપતાકા લહેરાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.
• તાલાળાઃ તાલાળામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડ ભાજપ વતી લડી રહ્યા છે તો કોંગ્રેસમાંથી માનસિંહ ડોડિયા ઉમેદવાર છે. આ બેઠક શું રંગ દેખાડશે એ તો આઠમી ડિસેમ્બરે જ ખબર પડશે.
• જૂનાગઢઃ જૂનાગઢમાં ભાજપે કોંગ્રેસના જૂના જોગી અને વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જોષી સામે સંજય કોરડિયાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter