કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજાનું અવસાન

Monday 09th May 2016 10:34 EDT
 
 

પોરબંદરઃ કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાનું અમદાવાદ ખાતેની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન છઠ્ઠી મેએ ૭૦ વર્ષની વયે નિધન થયું છે. કુતિયાણા વિસ્તારના પૂર્વ અપક્ષ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાની તબિયત થોડા દિવસોથી નાદુરસ્ત રહેતી હતી. ભુરા મુંજા જાડેજા છેલ્લા આઠેક વર્ષથી કુતિયાણા અને પોરબંદર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી વિજેતા બન્યા પછી વર્ષ ૨૦૦૨માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા. જોકે હાલમાં તેમના ભત્રીજા કાંધલ જાડેજા એનસીપીના ધારાસભ્ય છે.

ભુરા મુંજાની ઇન્ડિયા ઇંગ્લેન્ડ ઇન્ડિયાની સફર

પોરબંદરના મુંજા જાડેજાના પરિવારનો પોરબંદર સહિત સૌરાષ્ટ્ર પંથકમાં દબદબો હતો. પોરબંદરમાં ૧૯૭૫થી ૧૯૮૫ સુધીનો સમય એવો હતો જ્યારે ગનની ગોળીઓની અવાજથી ત્યાંની ગલીઓ અનેકવાર ગૂંજી ઊઠતી. ભુરા મુંજા અને તેના ભાઈ સરમણ મુંજાની છાપ આ પંથકમાં ડોનની હતી. સરમણ મુંજાની હત્યા બાદ તેની મોતનો બદલો લેવા ભુરા મુંજા વર્ષ ૧૯૮૫માં ઈંગ્લેન્ડથી આવ્યા હતા. તેઓ ઈંગ્લેન્ડમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવતા હતા. ભુરા મુંજા ફરી ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા પછી ગોડમધરથી જાણીતાં સરમણ મુંજાનાં પત્ની સંતોકબહેન જાડેજાનું આ પંથકમાં પ્રભુત્વ હતું. એ પછી સંતોકબહેને રાજકારણ પ્રવેશ કર્યો અને તે ૧૯૮૯થી ૧૯૯૪ સુધી ધારાસભ્ય હતાં. એ પછી ભુરા મુંજા ૧૯૭૫માં ભારત આવ્યા અને અહીં જ સ્થાયી થયા. સંતોકબહેને ઊભા કરેલા શાસનની ધૂરા સંભાળતાં ભુરા મુંજાએ રાજકારણમાં ઝંપલાવ્યું અને અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો.

ફિલ્મો માટે હોટ ટોપિક રહ્યો છે જાડેજા પરિવાર

બોલિવૂડના દિગ્દર્શક સોહમ શાહ સમરણ મુંજાના જીવન પરથી ‘શેર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં સંજય દત્ત અને વિવેક ઓબરોય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં સંજય દત્ત સરમણ મુંજાનું પાત્ર ભજવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૯૯માં સંતોકબહેન જાડેજાના જીવન પરથી શબાના આઝમીની મુખ્ય ભૂમિકમાં ‘ગોડમધર’ નામની ફિલ્મ બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter