કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નરેશ પટેલને બનાવવાની સંભાવના

Wednesday 06th April 2022 10:03 EDT
 
 

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. પાટીદાર સમાજના કદાવર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં જોડાવવા અંગે ભારે ચર્ચા ચાલી રહી હતી, જેનો અંત આવ્યો છે અને કઈ પાર્ટીમાં જોડાશે એવી કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળો પરથી પડદો ઉંચકાયો છે. સૂત્રોમાંથી જાણવા પ્રમાણે નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના ઈખ ઉમેદવાર બનવાની પ્રબળ સંભાવના છે. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખેલ પાડ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નરેશ પટેલની જયપુરમાં ગેહલોત સાથે મુલાકાત કરાવી હતી અને આખો ખેલ પડી ગયો છે.
કોંગ્રેસના આધારભૂત સૂત્રોને જણાવ્યું હતું કે, રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરનો આગ્રહ હતો કે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર ચહેરો રજૂ કરવો જરૂરી છે. જેના પર મોટાપાયે ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસની જોળીમાં આવી શકે. જેના માટે એક ચહેરાની શોધમાં કોંગ્રેસને આ ચહેરો હવે નરેશ પટેલનાં રૂપમાં મળી ગયો છે. આ અંગે જયપુરમાં અશોક ગેહલોત, પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક પણ મળી હતી. જેનાં પગલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચી જવાનો સમગ્ર ખેલ પાડયો છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા આખરે રાહુલ ગાંધીએ સ્વીકારી છે. જેનાં કારણે હવે થોડા સમયમાં નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેની સત્તાવાર જાહેરાત કરશે.
પાટીદાર સમાજના પ્રતિષ્ઠિત નેતા નરેશ પટેલ પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરવા માટે સરવે કરાવી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે રાજકારણમાં જવું કે નહીં તે બાબતે 15 એપ્રિલે પોતે જાહેરાત કરશે પરંતુ જે પ્રમાણેનો માહોલ બની રહ્યો છે એ જોતા નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવવું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ભાજપને પડકારવા માટે કોંગ્રેસે એક નવો જ રાજકીય દાવ ખેલ્યો છે, જે વિરોધી પક્ષોને પણ ઝટકો આપનારો છે.
નોંધનીય બાબત એ છે કે, નરેશ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવવાની મહેચ્છા વ્યક્ત કરી છે ત્યારથી બધી પાર્ટીઓ તેમના માટે લાલ જાજમ બિછાવી રહી છે. ભાજપે પણ તેમને પાર્ટીમાં જોડવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતો તો આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને ઈખ ઉમેદવાર બનાવવાની તૈયારી બતાવી હતી. જો કે જાણવા મળેલી માહિતી પ્રમાણે ભાજપે હવે નરેશ પટેલની આશા છોડી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter