કોરોના અને લોકડાઉનના લીધે ઘરઆંગણે સસ્તી - સારી કેરી મળશે

Wednesday 15th April 2020 07:24 EDT
 
 

તાલાળાઃ ગીર તાલાળા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન શરૂ થવામાં છે. ફ્રેશ મેંગો એક્સપોર્ટ માટે લગભગ માર્ચ મહિનાથી જોરશોરથી કામગીરી ચાલુ કરાઈ હતી, પરંતુ કોરોનાને લીધે કેરીની નિકાસનું કામકાજ બંધ છે. આથી આ વર્ષે કેસર કેરી એક્સપોર્ટ નહીં થઇ શકે. જેથી સ્થાનિક સ્તરે જ તે વેચાશે. આથી ખેડૂતોને આર્થિક ફટકો પડશે તો સ્થાનિકોને ઘરઆંગણે કેસર કેરી થોડી સસ્તી અને સારી ગુણવત્તા વાળી મળશે.
વિદેશ નિકાસ અટકશે
ગીરમાંથી અમેરિકા, યુરોપ સહિત આરબ અને ખાડીના દેશોમાં અલગ-અલગ નિકાસકારો મારફતે ૩૫૦ ટનથી વધુ કેસર કેરી નિકાસ થાય છે. કોરોનાને લીધે તાજી કેરીની નિકાસ હાલમાં તો અશક્ય છે. એપ્રિલ મહિનાના અંતમાં જો કોરોનાનો કહેર ઓછો થાય તો અને કેરીનાં અર્ક (પલ્પ)ના ઓર્ડર મળે તો તે માટે કેનિંગ પ્લાન્ટ કેરીની ખરીદી કરી શકશે. જો પલ્પના ઓર્ડર પણ નહીં મળે તો સ્થાનિક કક્ષાએ માગ મુજબનો જથ્થો અગ્રણી કેનિંગ પ્લાન્ટ ખરીદી પલ્પનાં પેકિંગ તૈયાર કરશે. હાલમાં આફૂસ કેરી નિકાસ નહીં થવાથી સ્થાનિકમાં તેના ભાવ નીચાં છે. કેસર કરતાં આફૂસની નિકાસ વધુ પ્રમાણમાં થતી હોય છે. છતાં કેસરની નિકાસ અટકતાં વકરાને અસર તો થશે જ તેવું જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter