કોરોના વાઈરસરૂપી કાળને નાથવામાં સૌરાષ્ટ્ર એકંદરે સફળ

Tuesday 28th April 2020 15:15 EDT
 
 

રાજકોટઃ ગુજરાતની આશરે છ કરોડની વસતીમાં ત્રીજા ભાગની વસતી અને ૩પ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર કોરોનારૂપી કાળથી થતાં મોતને નાથવામાં મોટી જીત મેળવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી ૧૩૦થી વધુ મોત થયાં છે તેમાં સૌરાષ્ટ્રનાં ૧૧ જિલ્લામાંથી સાતથી વધુનાં મૃત્યુ થયા છે. ટકાવારીની દષ્ટિએ જોઈએ તો રાજયની તુલનામાં છ ટકા કરતાં ઓછા મૃત્યુ સૌરાષ્ટ્રમાં થયાં છે.
રાજયનાં કુલ ૩૩ જિલ્લામાંથી ૧૧ જિલ્લાનો સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમાવેશ થાય છે. કોરોનાનો રાજયમાં પહેલો કેસ રાજકોટમાં જોવા મળ્યો હોવા છતાં કોરોનાનાં સંક્રમણને નાથવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોએ મોટી જીત મેળવી છે. છેલ્લા એક મહિનાથી રાજયમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. રાજયનાં ૩૦ જિલ્લા કોરોનાના પંજામાં ફસાયા છે આમ છતાં સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા કોરોનામુકત રહી શકયા છે. સૌરાષ્ટ્રનું કેપિટલ રાજકોટમાં દરેક વિસ્તારમાંથી લોકો આવીને વસ્યા છે અને લોકડાઉન પહેલા દરેક પ્રાંત અને વિદેશથી લોકોની અવરજવર રાજકોટમાં થઈ હોવા છતાં કોરોનાને કંટ્રોલ કરી શકાયું છે. રાજકોટ શહેર કે જિલ્લામાં કોરોનાથી એક પણ મોત હજુ સુધી થયું નથી. જામનગરમાં એક જ કેસ પોઝિટિવ આવ્યો છે અને એક બાળકીનું મોત થયું છે જામનગર પણ કોરોનાને નાથવામાં ઘણું સફળ રહયું છે. ગીર સોમનાથમાં ૩, મોરબીમાં ૧, પોરબંદરમાં ૩ અને સુરેન્દ્રનગરમાં ૧ કેસ કોરોના પોઝિટિવનાં સામે આવ્યા છે પણ મૃત્યુ એક પણ નથી થયું.
કોરોનાનાં કહેરનાં આંકડા જ એ વાત સ્પષ્ટ કરે છે કે, કોરોનાની મહામારીનું કાબૂમાં રાખવા સૌરાષ્ટ્રવાસીઓને મોટી સફળતા મળી છે. સિનિયર ડોકટર્સનાં જણાવ્યાં મુજબ સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે મૃત્યુ ઓછા થયા અને કેસ પણ મર્યાદિત રહયા તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે લોકડાઉનનું ચૂસ્ત પાલન કરાયું છે ખાસ કરીને શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ એલર્ટ હતા. ગામડાઓમાં પ્રવેશદ્વારથી અજાણ્યા લોકોને અટકાવવામાં આવી રહયા છે. છેલ્લા એકાદ મહિનાથી આ કવાયત ચાલી રહી છે. માસ્ક પહેરવામાં અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવામાં લોકોએ સારી કાળજી લીધી તેનું આ પરિણામ છે. મોટાભાગનાં લોકોએ ઘરે રહો સ્વસ્થ રહો ને જીવનશૈલીનો એક ભાગ બનાવીને લોકડાઉનમાં સરકારને પુરો સાથ આપ્યો હતો.
ચાર મહાનગરપાલિકા એરિયામાં પણ કોરોના કાબૂમાં
રાજયના કુલ આઠ મહાનગરપાલિકામાંથી સૌરાષ્ટ્રમાં ચાર મહાપાલિકા આવેલી છે. હાલ અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની ચારેય મહાનગરપાલિકાના વિસ્તારોમાં પણ કોરોના કાબૂમાં રહયો છે. રાજકોટમાં ૧૮ લાખની વસતી અને ૪પથી વધુ કેસ આવ્યા હોવા છતાં સદભાગ્યે હજુ કોરોનાથી એક પણ મોત થયું નથી. જામનગરમાં એક અને ભાવનગરમાં પાંચ જયારે જૂનાગઢ ર્કોર્પોરેશનમાં એક પણ મોત કોરોનાથી થયું નથી.
ભાવનગરમાં ૧૮ માસના બાળકે કોરોનાને મ્હાત કર્યો
દસ વર્ષથી નાની ઉંમરનાં તેમજ ૬૦ વર્ષથી મોટી ઉંમરનાં લોકો માટે કોરોના વધુ ભયજનક હોવાનું મેડિકલ સાયન્સ જણાવે છે, પણ ભાવનગરમાં ૧૮ માસના બાળકે ૮ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. રાજસ્થાનના વતની ઇમરાન ખાન શેખના ૧૮ માસના બાળક અયાનને આ જીવલેણ બીમારી થયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૪ એપ્રિલે ભાવનગરની હોસ્પિટલમાં અયાનને દાખલ કરાયો હતો. તબીબો અને મેડિકલ સ્ટાફે તનતોડ મહેનતથી બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. બીજી બાજુ આ બાલખના શરીરે પણ પૂરતો સાથ આપ્યો હતો. જેને કારણે બાળકે કોરોનાને હરાવી દીધો. અગાઉ રાણિકામાં રહેતા ૯૨ વર્ષના રજાકભાઈ કાદરીને ૨૯મી માર્ચથી ૧૪ એપ્રિલ સુધી સારવાર આપ્યા બાદ કોરોના વાઇરસ મુક્ત થતાં તેમને ભાવનગરની તખ્તસિંહજી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. આ બન્ને કિસ્સા મેડિકલ સાયન્સ માટે ઘણા જ આશાસ્પદ છે. ૧૮ મહિનાનું બાળક તથા ૯૨ વર્ષના દાદા કેવા પ્રકારની સારવારથી સાજા થયા તે શોધી શકાશે તો આગામી સમયમાં ઘણા મમ્મી-પપ્પાના વ્હાલસોયા સંતાનોને નવું જીવન મળશે.
જંગલેશ્વરમાં એક દર્દીને રજા અપાઈ
રાજકોટમાં જોકે કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો નોંધાયો છે અને એક દર્દીની તબિયત સારી થઈ છે. જંગલેશ્વર વિસ્તારની ૫૫ વર્ષીય મહિલા ફરીદાબહેન બ્લોચનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે રાજકોટમાં વધુ એક દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ હોવાના અહેવાલ છે. ૫૫ વર્ષીય માતાનાં પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતાં માતાને ક્વોરેન્ટાઈન કરાયાં હતાં હવે માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પુત્ર દિલદાર બ્લોચ સિવિલમાં પોઝિટિવ દર્દી તરીકે દાખલ છે. તેમના માતા ફરીદાબહેન બ્લોચ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યાં છે. ફરીદાબહેન બ્લોચ જંગલેશ્વર શેરી નં. ૨૪માં રહે છે.
ફઇબાએ ઓનલાઈન નામઃકરણ કર્યું
લુણીવાવ અને હાલમાં ગોંડલ ગોકુલધામ સોસાયટીમાં રહેતા રવીન્દ્રભાઈ સરવૈયા તથા સેજલબહેન સરવૈયાના ઘરે તાજેતરમાં પુત્રનો જન્મ થતાં લોકડાઉનના નિયમોનું પાલન થાય એ હેતુથી પોતાના પુત્રની ઓનલાઈન છઠ્ઠી રખાઈ હતી. વીડિયો કોલિંગ દ્વારા પુત્રનાં ફઈએ દેવાંશ નામ પાડ્યું હતું. દંપતીએ પુત્ર જન્મના હરખ સ્વરૂપે રૂ. ૫૦૦૦ કોરોના સામે લડવા મુખ્ય પ્રધાન રાહત ફંડમાં જમા કરાવ્યા હતા.

એક રાતમાં સેનેટાઈઝર મશીનની ડિઝાઇન તૈયાર કરતો યુવાન

ઉષા મશીન ટૂલ્સના સંચાલક આકાશ દાવડાએ ધંધો બંધ હોવાથી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોતાની આવડત, કોઠાસૂઝ અને અનુભવના આધારે પગથી ચાલતું હોય તેવું સેનેટાઈઝર મશીન તેમણે બનાવ્યું છે. પ્રથમ દસ મશીન તેઓએ રાજકોટની વિવિધ સરકારી કચેરીને વિનામૂલ્યે આપ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ મશીન વેચી અને જે કંઈ નફો થશે તે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાં જમા કરાવશે. ગુજરાતમાં આ પ્રકારનું શક્યતઃ આ પ્રથમ મશીન છે. એમાં સ્પ્રિંગનો ઉપયોગ થયો છે અને પગના પ્રેશર મુજબ સનેટાઇઝ બહાર આવે છે.
આકાશ દાવડાએ જણાવ્યું કે, મને વિચાર આવ્યો કે સાઇકલના પંપની જેમ પગથી ચાલતો પંપ બનાવીને યોગ્ય માત્રામાં જ સેનેટાઈઝર નીકળે એવું કંઈક મશીન બનાવું. એક દિવસની આખી રાતમાં ડિઝાઇન તૈયાર કરી અને પંપ પણ બનાવી નાંખ્યો. આ મશીન વધુ માણસો હોય ત્યાં કામ લાગી શકે છે તેની કિંમત રૂ. ૧૯૫૦ છે. પોલીસ, ડોક્ટર સહિત કોરોના સામે લડતા કર્મચારીઓ જ્યાં નોકરી કરે છે તે કચેરીઓમાં વિનામૂલ્યે આવા દસ મશીનો આકાશે આપ્યાં છે.
• ગોંડલ શહેર તાલુકાની જનતા કોરોના સંક્રમણમાં નાશપ્રાય થાય તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રજાજનોને લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવાઈ છે. કેટલાક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોવાથી ૨૭મી એપ્રિલે આશરે ૩૦૦૦ લોકો વિરુદ્ધ પોલીસ તંત્રે ગુનાઓ નોંધી કાર્યવાહી કરી છે. 
• રાજકોટ શહેર પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર ૧૦૦ રૂપજીવીનીઓને અનાજની કિટનું વિતરણ કરાયું હતું. યુવતીઓ અને મહિલાઓએ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. 
• તંત્ર દ્વારા ૨૭મીએ જણાવાયું છે કે સૌરાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોને વતન પહોંચાડવા માટે એસટી બસો દોડાવવામાં આવશે. રાજકોટ એસટી ડિવીઝનની ૧૦૦ બસો અને ૨૦૦ ડ્રાઇવર આ સેવામાં કાર્યરત રહેશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી બસ મોકલવામાં આવે તેવી શક્યતા છે. 
• ગોંડલ ફૂડ વિભાગે ૪૯૦ કિલો અખાદ્ય ખોરાક અને રૂ. ૫૫૩૬૯ની અન્ય વસ્તુઓનો નાશ કર્યો હોવાના અહેવાલ છે. કરિયાણા સ્ટોર્સ, ડેરીફાર્મ, જનરલ સ્ટોર્સ અને સુપર માર્કેટમાં ગોંડલ નગરપાલિકાની ફૂડ શાખા તેમજ રાજકોટ ફુડ શાખા દ્વારા તાજેતરમાં સઘન ચકાસણી કરાઈ હતી ત્યારે ગોંડલનાં ૨૫ જેટલાં ડેરીફાર્મમાંથી ૪૦૧ કિલો મીઠાઈ, ૮૯ કિલો ફરસાણ તથા અન્ય રૂ. ૫૫૩૬૯નો અન્ય અખાદ્ય પદાર્થ મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
• ગોંડલ રમાનાથ ધામ ટ્રસ્ટ દ્વારા વડા પ્રધાન રાહતનિધિ ફંડમાં રૂ. ૫ લાખ અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાં રૂ. ૫ લાખનું દાન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter