ખડવંથલી પાસે કાર તણાતા બેનાં મૃત્યુ

Wednesday 02nd October 2019 07:15 EDT
 

જામકંડોરણાઃ આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદનાં કારણે ભારે હાલાકી છે. રામપર ગામ પાસે ૨૯મીએ કાર તણાતા બે મહિલાના મૃત્યુ થયાં હતાં. એક મહિલા લાપતા થતાં તરવૈયા દ્વારા શોધખોળ ચાલુ છે. એક પુરુષ તથા ત્રણ મહિલાને લોકોએ ઉગારી લીધા હતા. કરુણતા એ હતી કે, ભોગ બનનારનો પરિવાર સગાઇના શુભ પ્રસંગે જતો હતો. ઘટનાની જાણ થતાં પ્રધાન જયેશભાઇ રાદડિયા, મામલતદાર વગેરે દોડી ગયા હતા અને ફાયર તેમજ એનડીઆરએફની ટીમોને સહાય માટે બોલાવી લીધા હતા.
ખડવંથલી રહેતા ગોપાલભાઇ મારકણાના પુત્રનું વેવિશાળ જશાપરની યુવતી સાથે નક્કી થયું હતું. સવારના પરિવાર હરખભેર જુદાં જુદાં વાહનોમાં નીકળ્યો હતો. જામકંડોરણા તાલુકાના રામપર ગામ પાસે પહોંચ્યા ત્યારે કોઝ વે પર પૂરનાં પાણી ધીમા ધીમા વહી રહ્યાં હતાં. બે વાહન કોઝ વે પરથી પસાર થઈ ગયાં હતાં. પાછળ રહેલી બોલેરો ભૂપતભાઇ મારકણા ચલાવી રહ્યા હતા. કોઝ વે પસાર કરી રહ્યા હતા ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા બોલેરો તણાઈ હતી તેમાં રાધાબહેન દિલીપભાઇ મારકણા, રંજનબહેન વજુભાઇ મારકણા તેમજ શર્મિલાબહેન ભૂપતભાઈ મારકણા તણાયા હતા. બે મહિલાઓના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે ભૂપતભાઇ મારકણાનો બચાવ થવા પામ્યો હતો. શર્મિલાબહેન પૂરના પાણીમાં તણાયા હોવાથી તેની શોધખોળ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમે હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter