જૂનાગઢઃ ગિરનારની પરિક્રમા દેવદિવાળીથી શરૂ થવાની વકી છે ત્યારે યાત્રાળુઓને અગવડ ન પડે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરિક્રમાના આયોજન માટે સાધુ સંતો અને તંત્ર દ્વારા બીજી નવેમ્બરે બેઠક યોજાઈ હતી અને મહામંડલેશ્વર ભારતીબાપુની આગેવાની હેઠળ મહંત હરિહરાનંદ ભારતીજી, મહંત મહાદેવગીરીજી, મહંત મેઘાનંદજી વગેરેએ ગિરનાર પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગની મુલાકાત લઈને નિરિક્ષણ કર્યું હતું.
સૂરજકુંડ, માળવેલા, સરકડિયા, જીણાબાવાની મઢી, બોરદેવી વગેરે વિસ્તારમાં જાત મુલાકાત લઈને પરિક્રમા માર્ગનું નિરિક્ષણ સંતો દ્વારા થયું હતું. આ ઉપરાંત વનવિભાગના સ્ટાફે સાથે રહીને ગીરમાં ઉપલબ્ધ કરવામાં આવનારી સુવિધાઓની વિગતો પૂરી પાડી હતી. જ્યારે રસ્તા રિપેરિંગ અને પાણીની વ્યવસ્થાને લગતા સૂચનો સાધુ-સંતો દ્વારા અપાયાં હતાં. વનવિભાગ દ્વારા અત્યાર સુધી રસ્તા રિપેરિંગની કરવામાં આવેલી કામગીરીને સાધુ-સંતોએ આવકારી હતી.
• માના શ્રેષ્ઠ તરણ ખેલાડી રાજકોટઃ ગુજરાતની સ્વીમર માના પટેલે માના પટેલને ઇતિહાસ સર્જીને પહેલી નવેમ્બરે ૬૩મી સિનિયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશિપ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં માના પટેલને ૩૩ પોઇન્ટ સાથે તેની કારકિર્દીનો ચોથો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ માનાની રિયો ઓલિમ્પિકમાં રમવાની તક વધી ગઇ છે. જોકે માનાને હજુ ઓલિમ્પિકમાં કવોલીફાઇ થવું બાકી છે. આ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં મહારાષ્ટ્રના તરણવીર અને ઓલિમ્પિક ખેલાડી વીરધવલ ખાડે ૩ સુવર્ણ અને એક રેકોર્ડ સાથે શ્રેષ્ઠ સ્વીમર બન્યો હતો. વીરધવલને ૩૦ પોઇન્ટ મળ્યા હતા.
• આફ્રિકાના દાતા દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશનું દાનઃ સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિને ૩૧મી ઓક્ટોબરે ભુજ તાલુકાના સેડાતા ગામે આફ્રિકાવાસી દાતા નરસિંહભાઈએ રૂ. અઢી લાખના ૩૪૦ ગણવેશ ગરીબ પરિવારના છાત્રોને દાન આપ્યાં હતાં.
• સતાપરમાં આર. ઓ. પ્લાન્ટનું લોકાર્પણઃ અંજાર તાલુકાના સતાપર ગામે વેલસ્પન ફાઉન્ડેશન તથા સતાપર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં આર. ઓ. પ્લાન્ટનું ઉદઘાટન કરાયું હતું. હવે ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે અને ઘરે ઘરે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સાથે રૂ. પાંચમાં ૨૦ લીટર શુદ્ધ પાણી અપાશે.
• ૧૮ માછીમાર સાથે ત્રણ બોટના અપહરણઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જુદી જુદી સુરક્ષા એજન્સીએ મોકડ્રીલની પ્રવૃત્તિ હાથ ધરી છે ત્યારે પાક. મરીને પોતાની સજ્જતા સાબિત કરવા માટે પોરબંદરની ૭ બોટ અને ૧૮ માછમારોને બાનમાં લીધાં છે. જોકે આ કિસ્સામાં માછીમારો પણ બેદરકારીથી પાક.ની જળસીમામાં પહોંચી ગયાની ચર્યા ચાલી રહી છે.
• ડો. પાર્થરાજસિંહને પ્રાઈમ મિનિસ્ટર બેટનનો એવોર્ડ: આઈપીએસ કેડર મેળવીને હૈદ્રાબાદ પોલીસ એકેડમીમાં તાલીમ લઈ રહેલા સુરેન્દ્રનગરના ડો. પાર્થરાજસિંહ ગોહિલને ૩૦મી ઓક્ટોબરે પ્રાઈમ મિનિસ્ટર બેટનનો વિશિષ્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.
• નગરપાલિકાઓ પર રૂ. ૭૮ કરોડનું વીજબિલઃ ગાંધીનગરમાં અગાઉ મળેલી બેઠકમાં મુખ્યપ્રધાને કચ્છની તમામ નગરપાલિકાના અંદાજે રૂ. ૨૪૦ કરોડનાં લેણાં ભરપાઇ કરવાની તાકીદ કરી હોવા છતાં કચ્છની નગરપાલિકાઓની વીજકચેરીએ આશરે રૂ. ૭૮ કરોડ જેટલા નાણા ચૂકવવાના બાકી બોલે છે.
• ગાંધીવાદી હર્ષદભાઈ ત્રિવેદીનું અવસાનઃ સાવરકુંડલાના પીઢ ગાંધીવાદી અને ખાદીધારી હર્ષદ ત્રિવેદીનું પહેલી નવેમ્બરે સવારે નિધન થયું હતું. ૭૮ વર્ષના ગાંધીવાદી હાલ ગુજરાત ગાંધીગ્રામ ઉદ્યોગ સંઘના પ્રમુખ તથા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના મંત્રી હતા.