ગીર જંગલનો સૌથી સુંદર સિંહ

Saturday 14th August 2021 04:39 EDT
 
 

જૂનાગઢઃ દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. ગીર જંગલના સાવજોને જોવા દુનિયા આખીના પ્રવાસીઓ ગીરમાં આવે છે, પણ આ તમામને સૌથી વધુ આકર્ષણ દેવળિયા સફારી પાર્કના દેવરાજ સિંહનું હોય છે, કારણ કે એશિયાટિક સિંહમાં એ સૌથી વધુ દેખાવડો છે. સાવજ દેવરાજની આ નયનરમ્ય તસવીર ટ્રેકર સોહેલ મકવાણાએ લીધી છે. આ વાત ૧૦ ઓગસ્ટના વિશ્વ સિંહ દિવસની છે.દેવરાજ પુખ્ત વયનો સાવજ છે. આશરે નવેક વર્ષ પહેલાં એનો જન્મ જંગલમાં જ થયો હતો, પણ એની માતાનું મૃત્યુ થતાં માત્ર ૪ કે ૫ મહિનાનો હતો ત્યારે જ વન વિભાગ એને દેવળિયા સફારી પાર્કમાં લાવ્યો હતો. અહીં જ એ ઉછરીને મોટો થયો. વન વિભાગના કહેવા મુજબ, એનો આકર્ષક દેખાવ કેશવાળીને લીધે છે. આ સિંહની કેશવાળી મોટી, એમાં કેસરી-કાળા રંગનું મેચિંગ અને ઘટાટોપ છે.જ્યારે જંગલમાં છૂટા ફરતા સિંહ વચ્ચે ઇન્ફાઇટ થતી હોય, એ બાવળની કાંટ, ઝાડી-ઝાંખરાં અને કાંટાળી વાડમાં ઘૂસતા હોય, આ બધાને લીધે તેની કેશવાળીના વાળ ઊખડી જતા હોય છે, પણ દેવરાજને એવી કોઇ તકલીફ વેઠવાની હોતી નથી. ત્યાં સુધી કે એને બચપણથી સફારી દેવળિયામાં તૈયાર ખોરાક જ મળતો હોઇ શિકાર કરીને ભક્ષણ કરવાનું નથી હોતું, આથી એના શરીરને ઘસરકો સુધ્ધાં નથી પહોંચતો. પરિણામે, એ સૌથી વધુ દેખાવડો છે. ગીર જંગલ અને દેવળિયા ઉપરાંત સક્કરબાગ ઝૂ, આંબરડી સહિત એકપણ સ્થળે આટલો હેન્ડસમ સિંહ તમને જોવા ન મળે એની ગેરંટી. સિંહની સતત વધતી વસતિને લીધે હવે એનો પરિભ્રમણ વિસ્તાર સૌરાષ્ટ્રના ૩૦ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે ૯ જિલ્લાના ૫૩ તાલુકાને સમાવે છે. ગીરમાં ૭૦૦થી વધુ સિંહનો મુકામ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter