ગીરગઢડા પંથકમાં દીપડાએ વૃદ્ધાનો જીવ લીધોઃ પાંજરું મુકાયું

Wednesday 21st August 2019 08:10 EDT
 

ઉના: ગીરગઢડા તાલુકામાં દીપડા સંબંધી બે ઘટનાઓમાં એકમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધાનું અને બીજામાં ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસક્યું કરાયાનું બહાર આવ્યું છે. ગીરગઢડા તાલુકાના જામવાળા રેન્જમાં આવેલા એભલવડ ગામની સીમમાં ૧૬મીએ રાત્રિના સમયે ત્રાટકેલા દીપડાએ ૮૦ વર્ષની જાહુબહેન લાખાભાઇ ખસીયાને ઉપાડી જઇ નજીકના જંગલમાં લઇ જઇને ફાડી ખાધી હતી. વહેલી સવારે તેનો અર્ધ ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અને વનવિભાગે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે. દીપડાને પકડવા વનવિભાગે પાંજરા મુક્યા છે. તો મૃતકના પરિવારને રૂ. ૪ લાખ ચુકવવા તજવીજ હાથ ધરાઇ છે.
ગીરગઢડા તાલુકાના બોડીદર ગામની સીમમાં ગોવિંદભાઇ માંડણભાઇ પરમારની વાડીના ખુલ્લા કૂવામાં દીપડો પડી જતાં જામવાળા ગીર પશ્ચિમ રેન્જની રેસક્યુ ટીમે ૮૦ ફૂટ ઉંડા કૂવામાં ૫૦ ફૂટ પાણી હોય તેમાં ખાટલો અને પાંજરૂ ઉતારી દીપડાને બચાવ્યો હતો. ૩ કલાકની જહેમત બાદ રાત્રિના સમયે દીપડાનો બચાવ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter