રાજકોટઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે આ પાર્ક શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ત્યાં કુલ સાત સિંહના મૃત્યુ થયા છે. આ પ્રતિષ્ઠિત સફારી પાર્કને હજુ જાહેર જનતા માટે ખુલ્લો નથી મૂકાયો. હવે હવે આ સફારી પાર્કમાં છ સિંહ છે. એક વર્ષથી વધુ સમયથી રાજ્ય સરકારે ઝુઓલોજીકલ સોસાયટી ઓફ લંડન સહિત વિવિધ સંસ્થાઓની સલાહ અને મદદ માગી હતી. પણ સિંહોના મૃત્યુને અટકાવવાની નિષ્ફળતાથી તેના સંવર્ધનની યોજના ઉપર મોટો પ્રશ્નાર્થ મૂકાયો છે. આ પાર્ક દોઢસો એકર વિસ્તારમાં પથરાયેલો છે. ગયા વર્ષે ગીરના જંગલમાંથી ચાર સિંહ જોડી અહીં લાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો જંગલમાં ખસેડવાની હિલચાલ છે અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે પણ ગીરના સિંહને ગુજરાત બહાર ગોઠતું નથી એ વાસ્તવિકતા છે.