ગીરની કેસર આ વર્ષે પ્રમાણમાં મોંઘી રહેવાની સંભાવના

Wednesday 03rd April 2019 09:35 EDT
 

અમદાવાદ: તાલાળામાં હવામાન પરિવર્તનથી કેસરના પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાળા કેરી માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. હાલમાં બજારમાં કેરીની થોડી થોડી આવક શરૂ થઈ છે. જૂનાગઢમાં ૨૯મીએ ૧૦૦ બોક્સની આવક થતાં રૂ. ૧૦૦૦-૧૨૦૦માં ૧૦ કિલોનું બોક્સ વેચાયું હતું. તાલાળા પંથકમાં આંબાવાડિયા ધરાવતા ખેડૂતોએ જણાવ્યું કે, પંથકમાં કુલ ૧૬,૯૦૦ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, પરંતુ આ વખતે આંબાના કુમળા ફૂલો મોટી સંખ્યામાં ખરી પડ્યા હતા. હવે જ્યારે પાક આવવાની તૈયારી છે ત્યારે સાચું ચિત્ર સામે આવે છે.

ઠંડી પછી ગરમી અને ભારે વાયરા વાયા હતા તેની અસરથી મોરને ભારે નુકસાન થયું હતું. હવે એક ઝાડમાં ક્યાંક વધુ તો એ જ બાગના બીજા ઝાડમાં કોઈ કેરી દેખાતી નથી. આ વર્ષે પાકના ગણિતો ઓછા મંડાય છે એટલે ભાવ થોડો ઉંચો રહી શકે છે. પાક ઓછો ઉતરવાના કારણે ગત વર્ષ કરતા કેરીના ભાવ કમ સે કમ ૨૦થી ૩૦ ટકા વધારે આપવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter