ગીરમાં કેસર કેરીનો ૬૦ ટકા પાક નિષ્ફળ જતાં ખેડૂતો ચિંતામાં

Thursday 15th April 2021 05:18 EDT
 
 

રાજકોટઃ ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહી છે. ત્યારે હાલ કેસર કેરીની વાત કરીએ તો આ વર્ષે ગીરની પ્રખ્‍યાત કેસર કેરીનો ૬૦ ટકાથી વધુનો પાક નિષ્ફળ ગયો છે. કારણ કે, થોડા સમય પૂર્વે હવામાનમાં આવેલ પલ્ટાના કારણે કેરીના બગીચાઓમાં આંબામાં આવેલો ૬૦ ટકા મોર બળીને ખાખ થઇ ગયા છે. જેથી ગત વર્ષે રૂ. ૫૦૦માં મળતી કેસર કેરીની પેટીનો ભાવ આ વખતની સીઝનમાં મોંઘો રહેશે. આ સીઝનમાં ઉંચા ભાવનાં રહેવાના કારણે કેસર કેરીનો સ્‍વાદ સામાન્ય વર્ગના લોકોને કડવો લાગશે તેવા એંઘાણ સર્જાયા છે. જો કે, કેસર કેરીનો પાક નિષ્‍ફળ જવાના કારણે બગાયતી ખેડૂતો ભારે ચિંતિત બન્યા હોવાથી ભારતીય કિસાન સંઘ દ્વારા સર્વે કરી સહાય માટે રાજય સરકારને રજૂઆત કરી છે.
ગીર પંથકની પ્રખ્‍યાત કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા સાતેક વર્ષથી ક્રમશઃ ઘટી રહ્યું છે. તેવા સમયે ચાલુ વર્ષે પણ વાતાવરણમાં કલાઇમેટ ચેંજની અસરના કારણે કેરીના બગીચાઓ ધરાવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જે અંગે બગાયતી ખેડૂતો અને તાલાલાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતમાં આંબાના બગીચાઓમાં ભારે મોર આવતાં ખેડૂતો રાજી થઇ ગયા હતા પરંતુ થોડા સમય પૂર્વે હવામાનમાં આવેલ પલ્ટાના કારણે કેરીના બગીચાઓમાં આંબામાં આવેલા ૬૦ ટકા મોર બળી ગયા હતા. જેના કારણે નાની કેરી આપો આપ ખરી જતાં વર્તમાન સમયમાં ૪૦ ટકા જેટલો જ કેરીનો પાક હાલ આંબા પર જોવા મળી રહ્યો છે. સામાન્ય નિયમ પ્રમાણે ઉત્પાદન ઘટતા ભાવો ઉંચા જવાની પુરી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેસર કેરીનો પાક આ વખતે આખતર-પાછતર છે. ઓછા ઉત્પાદનને કારણે આ વખતે કેરીનાં ભાવ પણ ઉંચા રહેશે તેવી કેરીના વેપારીઓ આશા વ્‍યકત કરી રહ્યાં છે.
તાલાલામાં અનુકૂળ હવામાનનાં અભાવે કેસર કેરીના પાકને ફટકો
તાલાકા પંથકની આબાદી અને સમૃદ્ધિમાં જેનું અગ્રીમ યોગદાન છે તે ગીર પંથકનું અમૃતફળ કેસર કેરીના પાકને આ વર્ષે વાતાવરણે વ્યાપક અસર કરી હોય, ૭૦ ટકા જેટલો કેસર કેરીનો પાક નાશ પામ્યો છે. તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના નાશ પામેલ પાકનું તુરંત સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય વળતર ચૂકવવાની માગણી સાથે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘની રાહબરી હેઠળ તાલાલા પંતકના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter