ગોંડલના રાજવી ભગવતસિંહજીએ એક બે નહીં પરંતુ ૫૦ કર નાબૂદ કર્યા હતા

Sunday 27th February 2022 08:59 EST
 
 

ગોંડલઃ ગોંડલ સ્ટેટને વિશ્વસ્તરે નામના અપાવનારા રાજવી ભગવતસિંહજીએ પોતાના દીર્ઘદૃષ્ટા હોવાના અનેકવાર પુરાવા આપ્યા છે અને લોકોના હૃદયમાં અમીટ છાપ ઉપસાવી છે. આજે શાસકો અને પાલિકાના પદાધિકારીઓ જ્યારે જ્યારે પ્રજા પર આકરા વેરા લાદી, પોતાની તિજોરી ભરવાની ગતિવિધિમાં વ્યસ્ત હોય ત્યારે એક બાબત યાદ અપાવવી ઘટે કે રાજવી ભગવતસિંહજીએ પોતાના રાજ્યકાળ દરમિયાન એક બે નહીં, પરંતુ ૫૦ કર નાબુદ કર્યા હતા અને સાચા અર્થમાં પ્રજાહિતનો વિચાર કર્યો હતો. તેઓ પોતાને રાજા નહીં પ્રજાના ટ્રસ્ટી માનતા હતા.
‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ પુસ્તકમાં થયેલી એક નોંધ અનુસાર ભગવતસિંહજીએ વહીવટી તંત્રને પ્રજાકલ્યાણના હેતુ સાથે સક્ષમ બનાવ્યું હતું. તેમણે શાસનના પ્રારંભથી લઈને ૬૦ વર્ષ સુધીના શાસનકાળ દરમિયાન અંગત ખર્ચ (સાલિયાણું) રાજ્યની આવકના માત્ર બે ટકા જ રાખ્યું હતું. ૧૮૮૪માં રાજ્યની સત્તા સ્વીકારી ત્યારે રાજ્યની આવક ૧૪ લાખ રૂપિયા હતી. એ વખતે વર્ષાસન તરીકે જેટલી રકમ લેતાં એટલી જ વર્ષ ૧૯૪૪માં આવક વધીને ૮૦ લાખ થઈ ગઈ ત્યારે પણ લેતા હતા.
તેમણે રાજ્યના ન્યાયતંત્રનું આધુનિકીકરણ કર્યું હતું. દિવાની અને ફોજદારી અદાલતોની સ્થાપના કરવામાં આવી હતી. ન્યાય ઝડપથી મળી રહે તે માટે રાજા જાતે ખૂબ જ સજાગ હતા. વર્ષ ૧૯૦૯માં કસ્ટમ ડ્યૂટી પણ નાબૂદ કરી હતી. ગોંડલમાં નગરપાલિકા જેવી સ્થાયી સ્થાનિક સ્વશાસન સંસ્થાનો પ્રારંભ કર્યો હતો. આ સિવાય ખેતીના વિકાસ માટે સિંચાઈની સગવડો ઊભી કરાઈ હતી.
ગોંડલ અને પાનેલીમાં મોટાં તળાવ બાંધી તેમાંથી નહેરો કાઢી સિંચાઈ માટેની સગવડો કરાઈ હતી. છપ્પનિયા દુષ્કાળ વખતે ભગવતસિંહજીએ ખેડૂતોના મહેસૂલનો ચોથો ભાગ માફ કર્યો હતો અને ઘાસ ઉપરનો કર નાબૂદ કર્યો હતો.
ખેતીના વિકાસની સાથે વેપાર-ઉદ્યોગના વિકાસમાં અવરોધરૂપ નાના-મોટા કર રાજ્યે નાબૂદ કર્યા. આયાત-નિકાસ, ઉત્પાદન કે નાકાવેરા એવા કોઈ સ્વરૂપે ગોંડલમાં જકાત ન હતી.
કવિ ન્હાનાલાલની ટકોર
૧૯૩૨માં કવિ ન્હાનાલાલે ગોંડલ રાજ્યના એક ખેડૂત સંમેલનમાં જણાવેલું કે બીજાં રાજ્યો કયો નવો કર નાખવો તેનો વિચાર કરે છે, જ્યારે ગોંડલનરેશ કયો કર કાઢી નાખવો તેનો વિચાર કરતા રહે છે. રાજવીને આગવી સૂઝના પરિણામે જિનિંગ પ્રેસ, લોખંડનું કારખાનું, સિમેન્ટની વસ્તુઓ બનાવવાનું કારખાનું વગેરે દ્વારા ગોંડલનો આર્થિક વિકાસ વેગવંતો
બન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter