ગોંડલઃ પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પોનું ગોંડલની ગોંડલી નદીના અક્ષરઘાટમાં વિસર્જન કરાયું હતું. આ પ્રસંગે પરમ પૂજય મહંતસ્વામી મહારાજ અક્ષર મંદિર ખાતે પધાર્યા હતા. અસ્થિવિસર્જનમાં ૭૦૦થી વધુ સંતો રહ્યા હાજર હતા અને મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભકતો પણ ગોંડલી નદીના કિનારે પહોંચી ગયા હતા. મહંત સ્વામીની નિશ્રામાં પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન કરાયું હતું. પ્રમુખ સ્વામીના અસ્થિવિસર્જનની સાથે મહંત સ્વામીના હસ્તે બે લોકોએ ૧૩મી ઓક્ટોબરે દીક્ષા લીધી હતી. સ્વ. સ્વામીબાપાના અસ્થિવિસર્જન માટે મહંત સ્વામી ૧૪મી ઓક્ટોબરે ગોંડલ આવી પહોંચ્યા હતા અને ૧૬મી ઓક્ટોબર સુધી તેમણે ગોંડલમાં રોકાણ કર્યું હતું અને ગોંડલમાં આ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ૧૪મીએ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનો પૂજનવિધિ સમારોહ યોજાયો હતો.
૧૪મી ઓક્ટોબરના રોજ વહેલી સવારથી જ ગોંડલી નદી કિનારે હરિભકતોની ભીડ હતી અને તેમણે અસ્થિવિસર્જનના દર્શનનો લહાવો લીધો હતો. સવારે અસ્થિ કળશને પાલખીમાં મૂકીને પહેલાં સ્વામીનારાયણ મંદિર ફરતે સંતો ભક્તો દ્વારા પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સૌને અસ્થિવિસર્જનના દર્શનનો લાભ મળ્યો હતો.
ઘાટ પર અસ્થિવિસર્જન
નવનિર્માણ પામેલા અક્ષરઘાટ પર ૧૪મીએ સભાનું આયોજન થયું હતું. અસ્થિકળશનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો દ્વારા પૂજન કરાયું હતું. મહાપ્રસાદિક ગોંડલી નદીમાં સૌએ આરતી અને દીપવિસર્જન કરીને સભાની પૂર્ણાહુતિ કરી હતી.