ચંદ્રમૌલેશ્વરના શિખરે ચંદ્રદેવ બિરાજ્યા

Wednesday 20th November 2019 06:03 EST
 
 

સોમનાથઃ ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ પણ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પૂર્ણિમા ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે દેશભરનાં અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને આ વખતે પણ અનેક મંદિરોમાં ભીડ હતી. વર્ષમાં એક વાર જ બનતો સંયોગ અને વાસ્તવમાં ભૂગોળશાસ્ત્રની એક ઘટનાને સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને નિહાળવાનો મોકો મળ્યો હતો.
કાર્તિકી પૂનમના દિવસે ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે જ્યારે ચંદ્રમા ભગવાન ભોળાનાથના શિરે બિરાજે ત્યારે થોડીક ક્ષણો માટે અમૃતની વર્ષા થતી હોવાની આસ્થા છે. કેટલાય વર્ષોથી આ ઘટનાને નિહાળવા શિવભક્તો દૂર-દૂરથી આ મધ્યરાત્રિએ સોમનાથ અચૂક આવે છે.
દેવ દિવાળીએ સોમનાથ મંદિરમાં લાખો ભક્તો પહોંચ્યા હતા જ્યાં મધ્ય રાત્રિએ ભક્તો સોમનાથમાં મહાઆરતી અને મંદિરના માથે બિરાજેલા ચંદ્રનાં દર્શન કરી ધન્ય બન્યા હતા.
રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી પસાર થતા ચંદ્રદેવ સોમનાથ મહાદેવના શિખર પર શોભાયમાન બન્યા ત્યારે આ અલૌકિક ઘટના નિહાળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ભૂગોળશાસ્ત્રમાં કાર્તિકી પૂનમના દિવસે રાત્રે ૧૨ વાગ્યે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય છે. વર્ષમાં એક જ વખત ભગવાન સોમનાથ ચંદ્રને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આ વખતે રાત્રે ૧૨ના ટકોરે આ દૃશ્ય અલૌકિક બની રહ્યું હતું. ચંદ્ર મહાદેવ પર બિરાજે છે ત્યારે રાત્રિએ સોમનાથ મંદિરમાં આરતી થાય છે.

કાર્તિકી પૂર્ણિમાનો મેળો રંગેચંગે સંપન્ન

સોમનાથ - પ્રભાસ પાટણમાં પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાનો મેળો રંગેચંગે સંપન્ન થયો છે. મેળામાં એકસોથી વધુ ખાણી-પાણી અને ખરીદીના સ્ટોલ્સ  ઉપરાંત બાળકો માટે મનોરંજનની રાઇડ્સ પાસે દરરોજ ભીડ જામેલી દેખાતી હતી.  આ મેળામાં પ્રખ્યાત કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. મેળાના વિશાળ ગ્રાઉન્ડમાં લોકો વનભોજન જેવો લહાવો પણ લેતા જોવા મળ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter