ચાર મુસ્લિમ ભાઈઓએ જનોઇ ધારણ કરીને વૃદ્ધ વિપ્રને કાંધ આપી

Wednesday 02nd October 2019 07:16 EDT
 
 

અમરેલીઃ જિલ્લામાં કોમી એકતાનું બેમિસાલ ઉદાહરણ સામે આવ્યું છે. સાવરકુંડલાના એક વૃદ્ધ બ્રાહ્મણ ભાનુશંકર પંડ્યાનું તાજેતરમાં અવસાન થયું હતું. આ નિરાધાર બ્રાહ્મણ છેલ્લા ૫૦ વર્ષથી મુસ્લિમ પરિવાર સાથે જ રહેતાં હતાં. આ વિપ્ર વૃદ્ધનું અવસાન થતાં મુસ્લિમ પરિવારે જનોઈ ધારણ કરીને હિન્દુ રીતરિવાજ મુજબ વૃદ્ધનાં અંતિમ સંસ્કાર કર્યાં હતાં તે બેમિસાલ કોમી એકતાના દર્શન કરાવે છે.
ભાનુશંકર પંડ્યા વર્ષોથી સાવરકુંડલામાં નાવલી નદીના કાંઠે આવેલા મુસ્લિમ મિત્ર ભીખુભાઈ કુરેશીનાં ઘરે જ રહેતાં હતાં. બંને મિત્રોએ જિંદગીભર સાથે મજૂરી કરી હતી. જીવનના અંત સમયમાં એક જ આંગણેથી એક જ વર્ષમાં બંને મિત્રો અનંત યાત્રાએ ચાલી નીકળ્યાં હતાં. ભીખુભાઈનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને ભાનુશંકરદાદા પણ ત્યારથી બીમારીના કારણે ખાટલે જ હતાં. ભીખાભાઈ કુરેશીનાં પુત્રો બીમાર ભાનુશંકર દાદાની સેવા કરતાં હતાં. થોડા દિવસ પહેલાં ભાનુશંકરભાઈનું પણ મૃત્યુ થયું. ભાનુશંકરદાદાનું અવસાન થતાં ભીખાભાઈના પુત્રએ ભૂદેવ સંદીપ ભટ્ટને બોલાવ્યા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મુસ્લિમ પરિવારના ચાર ભાઈઓએ જનોઈ ધારણ કરી. એ પછી ભાનુદાદાને કાંધ આપી હતી અને અંતિમવિધિ કરી તેમનાં અસ્થિ જૂનાગઢ દામોદર કુંડમાં પધરાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter