ચીનમાં સીંગતેલ-દાણાની નિકાસથી મગફળીમાં ઉછાળો

Wednesday 01st May 2019 07:02 EDT
 

રાજકોટઃ ચીનમાં સીંગતેલના નિકાસ સોદા-સીંગદાણાની માગને લીધે નાફેડની મગફળીમાં ભારેખમ તેજી થઇ ચૂકી છે. નાફેડનો ભાવ ૨૪મી એપ્રિલથી ત્રણ જ દિવસમાં રૂ. ૨૦૦-૨૮૦ જેટલો ઉંચકાયો હતો. સીંગતેલની નિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, થોડાં સોદા થયા છે, પરંતુ મગફળી મોંઘી થવા લાગતા હવે તેલનો ભાવ પણ સુધરવા લાગતા નવી પૂછપરછો સાવ ધીમી પડી ગઇ હતી. નાફેડ સિવાય મગફળીનો સ્રોત નથી એટલે સંસ્થાના ભાવ ઉંચકાતા નિકાસ કામકાજો કરનારને પણ મુશ્કેલી પડી શકે છે.
ચીનમાં ૧ અને ૨ ટકા એફએફએવાળું તેલ નિકાસ થતું હોય છે. ત્રંબા ડિલિવરીમાં ૧ ટકાના કામકાજ રૂ. ૯૨૧માં અને ૨ ટકાના ૯૦૦માં કામકાજ નિકાસ માટે થયા હતા. હવે વેચનાર ઉંચો ભાવ બોલી રહ્યા હતા. તેલના એક વેપારીએ કહ્યું કે, ચીનમાં આશરે ૧૩૫૦ ડોલર પ્રતિ ટન આસપાસના કામકાજ થયા હોવાની માહિતી હતી. નિકાસના સોદા ત્રણ ચાર હજાર ટન કરતા વધારે નહીં હોય તેમ અંદાજાય છે. દરમિયાન નાફેડની મગફળીમાં તીવ્ર તેજી આવી ચૂકી છે. તેજીનું કારણ પાઇપલાઇન ખાલી હોવાનું ગણાવાય રહ્યું છે. દાણા ઉત્પાદકો કે તેલ મિલો પાસે સ્ટોક સાવ તળિયે હતો. એવામાં નિકાસ સોદાએ ખરીદીની પ્રેરણા આપી છે. સંસ્થાએ ૨૪મી એપ્રિલથી વેચવાનું શરૂ કર્યું હતું. એ પછીના ત્રણ દિવસમાં કુલ મળીને આશરે ૩૫ હજાર ટન મગફળી વેચી નાંખી છે. ગયા ૨૪મીએ ૧૨,૦૦૦ ટન, ૨૫મીએ ૧૩,૩૦૦ ટન અને ૨૭મીએ વિવિધ ગોદામોમાંથી ૯,૩૪૮ ટનના સોદા થયા હતા.
મગફળીના એક વેપારી કહે છે, પહેલા દિવસે નાફેડે જૂની મગફળી ક્વિન્ટલે રૂ. ૩૭૬૩માં વેચી હતી. નવી રૂ. ૪૩૫૦માં વેચી હતી. બીજા દિવસથી જ લાવલાવને લીધે ભાવ ઉંચકાવાનું શરૂ થઇ ગયું હતુ. ૨૬મીએ નાફેડની જૂની મગફળી રૂ. ૩૯૫૦માં અને નવી રૂ. ૪૬૩૫ સુધી વેચાઇ હતી. સરકારે રૂ. ૧૦૦૦ના ટેકાના ભાવથી મગફળી ખરીદી છે એટલે ભાવ ખરીદભાવથી ઘણો નજીક ગણાય તેવો છે. સંસ્થા વેચવાનું ચાલુ રાખે તો ફટાફટ માલનો નિકાલ થઇ જાય તેમ છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ૧૩થી ૧૪ હજાર ગુણીની આવક થઇ રહી છે. ખેડૂતો પાસે હવે ઝાઝો માલ નથી એટલે યાર્ડમાં આવક મંદ પડી ગઇ છે. માર્કેટ યાર્ડોમાં એક મણ મગફળીનો ભાવ રૂ. ૭૪૦-૧૦૦૦ સુધી બોલાય છે. નાફેડની તુલનાએ ઘણો ઓછો ભાવવધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter